Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમદાવાદ મનપાની 8 સામાન્ય સભા પછી પણ વિપક્ષના નેતાની નિયુક્તિ વિલંબમાં

વિપક્ષની સ્થિતિ સેનાપતિ વિનાની: કોર્પોરેશન કોંગ્રેસના કોર્પોરેટરોમાં પણ જૂથબંધી: કોંગ્રેસના ધારાસભ્ય સર્વસંમતિથી નથી કરતા નામ નક્કી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજની સ્થિતિએ વિપક્ષ કોંગ્રેસના નેતાની નિયુક્તિ વિલંબમાં પડી છે. પરિણામે નવા નેતાની નિયુક્તિ ક્યારે થશે એ અંગે ખુદ કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તી છે. નેતાની નિયુક્તિના અભાવે કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષની સ્થિતિ સેનાપતિ વિનાની સેના જેવી થઇ છે.

કોર્પો.ની 8 સામાન્ય સભા પછી પણ વિપક્ષના નેતા નહીં હવે 9મી સામાન્ય સભા પહેલાં નિયુક્તિ કરવા માગ ઉઠી છે,26મી નવેમ્બરે 10મી સામાન્યસભા યોજાશે,અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસના 24 કોર્પોરેટર અસમંજસમાં છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા બોર્ડની રચનાને આજે નવ મહિના પૂર્ણ થયા પછી આજે પણ વિપક્ષ કોંગ્રેસના નેતાની પસંદગી કરવામાં આવી નથી. પરિણામે મ્યુનિ.કોર્પો. કોંગ્રેસના જ કોર્પોરેટરો અને કોંગ્રેસના ધારાસભ્યની આંતરિક જૂથબંધી હોવાની પ્રતિતિ થઇ રહી હોવાની ચર્ચા કોંગ્રેસ વર્તુળમાં થઇ રહી છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ વધુ એક વાર સત્તાધીશ થયા પછી નવા બોર્ડની 8 સામાન્ય સભા સંપન્ન થઇ છે. હવે નવમી સામાન્યસભા યોજાવાની તૈયારી છે ત્યાં સુધી કોર્પો.માં વિપક્ષનેતાની પસંદગી વિલંબમાં પડતાં શાસક ભાજપ અને કોર્પો.વહીવટીતંત્રને તેનો સીધો ફાયદો મળી રહ્યો છે.

વિપક્ષનેતા જ નહીં હોવાથી વિપક્ષ કોંગ્રેસ કોર્પો.ના કોઇપણ પ્રજાકીયપ્રશ્નો ઉઠાવવામાં કે શાસક સામે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં પાછા પડે છે. એટલું જ નહીં વિપક્ષની ભૂમિકા કોર્પો.માં નબળી પુરવાર થઇ છે. કોર્પો.વિપક્ષના નેતાની નિયુક્તિ વિલંબમાં પડવા અંગે કોંગ્રેસની જ આંતરિક જૂથબંધીની ચર્ચા છે. નેતાની પસંદગી મુદ્દે આ 2 પૈકી કોઇની નિયુક્તિ કરવામાં ધારાસભ્ય શૈલેષ પરમાર અને ગ્યસુદ્દીન શેખ ઉપરાંત ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના અલગ-અલગ મત વ્યક્ત થઇ રહ્યાં છે. પરિણામે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ અંતિમ નિર્ણય લઇ શકતા નથી.

(8:33 pm IST)