Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

દલિત સમાજના ઘરે જઈને જમો તેવા ફોટા ના મુકો : તેમને પોતાના ઘરમાં જમાડો અને ગિફટ પણ આપો

બાબા સાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી ખાતે કિશોર મકવાણા લિખિત 'બાબા સાહેબ આંબેડકર'નું વિમોચન પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોટું નિવેદન

અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી બાબા સાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી ખાતે કિશોર મકવાણા લિખિત 'બાબા સાહેબ આંબેડકર'નું વિમોચન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સીઆર પાટીલે ભાજપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને નવો ટાસ્ક આપ્યો હતો.

સીઆર પાટીલે પોતાના સંબોધનમાં બાબા સાહેબને મહાન વિભૂતી ગણાવતા કહ્યું હતું કે, અત્યાર સુધી કેટલાક લોકોએ બાબા સાહેબની અવગણના કરી છે. કેટલાક દલિત નેતાઓ બાબા સાહેબના નામે રાજકારણ કરે છે. જ્યારે મોદી સરકાર આવ્યા બાદ બાબા સાહેબ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે, દલિતના ઘરે જઈને માત્ર ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં શેર કરવાના બદલે દરેક કાર્યકર્તા અને પદાધિકારીઓએ આવા દલિત પરિવારને પોતાના ઘરે જમવા માટે બોલાવે. દરેક કાર્યકર્તાએ ટૂંક સમયમાં આ આદેશનું અમલીકરણ કરવું પડશે.

જો તમે ખરી રીતે દલિતોને અપનાવવા માંગતા હોય તો, દરેક પદાધિકારીઓએ કોઈ દલિત કુટૂંબને પોતાના ઘરે જમવા બોલાવવા જોઈએ અને તેમની સાથે આખો દિવસ સમય કાઢે અને જાય ત્યારે દલિત પરિવારના બાળકને એક નાની ગિફ્ટ આપે. કારણ કે બાળમાનસ પર આ નાની ગિફ્ટની મોટી અસર થતી હોય છે. રાજકોટમાં અમારા એક પદાધિકારીએ તો આવું કામ શરૂ પણ કરી દીધુ છે. હવે મારી દરેક પદાધિકારીઓને વૉર્નિંગ કહો તો વૉર્નિંગ સૂચના કહો તો સૂચના અને વિનંતી કહો તો વિનંતી છે કે, તેઓ પણ દલિત કુટુંબને પોતાના ઘરે જમવા બોલાવે. મને વિશ્વાસ છે કે, મારા પદાધિકારીઓ મારી વિનંતીને માનશે.

બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે આપણાં જીવનમાં ઉતારવા જોઈએ. આજે કેટલાક તત્ત્વો દેશને તોડવાનું કામ કરી રહ્યાં છે, ત્યારે બાબા સાહેબના વિચારો ખૂબ જ અગત્યના છે.

બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, બાબા સાહેબ આંબેડકરે જ્ઞાતિવિહીન સમાજની વાત કરી છે. જીવનમાં સમર્પિત થવાની પ્રેરણા આંબેડરના જીવનમાંથી મળે છે. આંબેડકર માત્રે બંધારણના ઘડવૈયા, દલિત નેતા, સ્ત્રી સશક્તિકરણ માટે લડનારા, અસ્પૃષ્યતા સામે લડનારા જ નહતા તેઓ મહાન રાષ્ટ્ર નિર્માતા છે. આંબેડકર વંચિતોના અધિકારો માટે જજૂમનારા નેતા હતા.

(10:14 pm IST)