Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ક્ચ્છ દરિયાઈ સીમા પાસે આર્મી, BSF, કોસ્ટગાર્ડ, નેવી,એરફોર્સની સંયુક્ત "સાગર શક્તિ" કવાયત

ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના અનેક કાવતરાના પર્દાફાશ બાદ દુશ્મન દેશની નાપાક હરકતો સામે દેશની ઇચ્છાશક્તિના દર્શન :દરિયાઈ સીમામાં સુરક્ષા તેમજ તમામ ફોર્સ અને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવવા પગલું

અમદાવાદ :ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના અનેક કાવતરાનો આપણી વિવિધ એજન્સીઓએ પર્દાફાશ કર્યો છે.છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય જળ સીમા (IMBL ) નજીક પાકિસ્તાન દ્વારા નાપાક હરકતોને અંજામ આપી રહ્યા છે. ત્યારે દેશની પશ્ચિમી સરહદ ક્ચ્છ દરિયાઈ સીમા પાસે "સાગર શક્તિ" કવાયત હાથ ધરવામાં આવી હતી.દેશની દરિયાઈ સીમામાં સુરક્ષા તેમજ તમામ ફોર્સ અને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સંકલન થાય તે માટે સંયુક્ત કવાયત ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે.

ગુજરાતનો દરિયા કિનારો લગભગ 1660 કિલોમીટર જેટલો વિશાળ છે. અને આ દરિયા કિનારો જેટલો વિશાળ છે તેટલો જ સમૃદ્ધ પણ છે. છેલ્લા દાયકા કરતા વધુ સમયથી પાકિસ્તાનની નાપાક નજર  આ દરિયા  કિનારા પર છે. જે મારફતે તેઓ ડ્રગ્સથી  માંડીને હથિયાર અને દેશના મોટા શહેરોમાં આતંક ફેલાવવાનું કાવતરું રછે છે. પાક મરીન સિક્યોરિટી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કે  તેમના પણ ગોળીબાર કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે તે ઉપરાંત ક્ચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના કાવતરાનો પણ પર્દાફાશ થયો છે.દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાનની ચહલ-પહલ વધતા ભારતીય એજન્સીઓ પણ હકરતમાં આવી છે.ક્ચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠે સાગર શક્તિ કવાયત હાથ ધરવામાં આવી છે.

 

છેલ્લા ચાર દિવસથી ચાલતી કવાયતમાં આજે લખપતના લક્કી નાળા સરહદ પાસે આર્મી, BSF, કોસ્ટગાર્ડ, નેવી,એરફોર્સ, મરીન પોલીસ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓમાં વધુ સંકલન થાય અને દેશની સુરક્ષા અંગે વિચારવિમર્શ વધે અને દુશ્મન દેશને ભારતની શક્તિનો અનુભવ થાય તે માટે  સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી હતી  દેશની જળસીમા, જમીન સીમા તેમજ આકાશ માર્ગે શક્તિશાળી છે તે દર્શાવાયુ  હતું. કવાયતમાં એડવાન્સ લાઈટ હેલિકોપટર ધ્રુવ, સવોર્મ ડ્રોન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે તેમજ સેન્સર ટુ શૂટ ગ્રીડનું પણ પરીક્ષણ હાથ ધરવામાં આવશે જે સેન્સરને સંકલિત કરતી સિસ્ટમ છે. આ કવાયત ગુજરાતની સાથે રાજસ્થાનના  પ્રશિક્ષણ વિસ્તારમાં પણ હાથ ધરવામાં આવી છે. આ કવાયતમાં નેટવર્ક-કેન્દ્રિત યુદ્ધના પાસા જેમકે માહિતી,ટેકનોલોજી અને કોમ્યુટર નેટવર્કિંગ સાધનોનો અસરકારક ઉપયોગ કરી શકાય તેવું આયોજન કરાયું છે..

(10:49 pm IST)