Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

JEEમાં ફેરફારોથી ધો. ૧૨માં અંગ્રેજી-કોમ્પ્યુટરની અવગણના

બોર્ડ પરીક્ષામાં ન્યુનત્તમ ૭૫ ટકા પરિણામનો છેદ ઉડાડી દેવાતા વિચિત્ર સ્થિતિ : શિક્ષણનો સંતાપઃ આચાર્ય અને શિક્ષકોનો મત એવો છે મોટાભાગના વિદ્યાર્થીઓ અગત્યના આ બે વિષયમાં ગંભીર નથી

નવી દિલ્હી તા. ર૩ :.. દેશભરની ટોચની ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ માટે ફરજીયાત એવી જેઇઇ મેઇન આ વર્ષે ચાર વખત લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ કરી છે. આ સાથે જ એનઆઇટીમાં પ્રવેશ અને જેઇઇ એડવાન્સ માટેના લાયકાતના ધોરણોમાં પણ ફેરફારો કર્યા છે. જો કે, જેઇઇ મેઇનમાં થયેલા આ ફેરફારોને પગલે શાળાઓમાં વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું છે. જે અંતર્ગત બોર્ડ પરીક્ષામાં ન્યુનતમ ૭પ ટકા પરીણામનો છેદ ઉડાડી દેવાતા હવે ધોરણ ૧રના વિદ્યાર્થીઓ અંગ્રેજી અને કોમ્પ્યુટર વિષયની અવગણના કરી રહ્યા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. વિદ્યાર્થીઓ આ બે વિષય સંદર્ભે ગંભીર ન હોય આચાર્ય અને શિક્ષકો પણ વિમાસણમાં મૂકાઇ ગયા છે.

નોંધનીય છે કે, કોરોના મહામારી વચ્ચે જેઇઇ મેઇન પરીક્ષામાં વધારે વિકલ્પો આપવાની સાથે જ અન્ય કેટલાક મહત્વના ફેરફારો કરાયા છે. ખાસ કરીને હમણાં સુધી જેઇઇ મેઇન પરીક્ષામાં ઉર્તીણ થયા બાદ એનઆઇટીમાં પ્રવેશ અથવા તો જેઇઇ એડવાન્સ માટેની યોગ્યતામાં ધોરણ ૧ર બોર્ડના પરિણામ ચોકકસપણે ધ્યાને લેવાતું હતું. અગાઉ જે તે બોર્ડ પરિણામમાં ટોપ-ર૦ પર્સેન્ટાઇલ રેન્ક અને પછી બોર્ડ પરીક્ષામાં ન્યુનતમ ૭પ ટકા પરિણામના ધારા ધોરણને ધ્યાનમાં લેવાતા હતાં. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ૭પ ટકાના ન્યુનતમ પરીણામનું ભારણ દૂર કરી દેવાયું છે. એટલે કે વિદ્યાર્થીનું બોર્ડ પરીક્ષામાં ગમે તે પરિણામ હોય, પરંતુ જેઇઇ મેઇન બાદ જેઇઇ એડવાન્સ માટે લાયક ગણાશે. આ સ્થિતમાં હવે વિદ્યાર્થીના બાળમાનસ પર વિપરીત અસર થઇ રહી હોવાની ફરીયાદો આચાર્ય કરી રહ્યા છે. સુરતની શાળાના આચાર્યોની ફરીયાદ પ્રમાણે, જેઇઇમાંથી ૭પ ટકા પરિણામનું માપદંડ દુર કરી દેવાતા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષા મુદે ગંભીરતા ઘટી છે. તેમાં પણ પહેલા અંગ્રેજી, કોમ્પ્યુટર વિષય સહિતના પાંચ વિષયોને આવરી લઇને ૭પ ટકા પરીણામ લાવવા પ્રયાસ થતો હતો. જો કે, તે સામે હવે જેઇઇ મેઇન, જેઇઇ એડવાન્સમાં સારા સ્કોર માટે કેમેસ્ટ્રી, ફિઝીકસ, મેથ્સ વિષય પર જ ધ્યાન અપાઇ છે. જયારે વિદ્યાર્થીઓ અંગ્રેજી, કોમ્પ્યુટર વિષયના પરિણામને ગૌણ ગણીને તેમાં સારા પરિણામ માટે પુરતા પ્રયાસો કરતા નથી. ઉલ્ટાનું વિદ્યાર્થીઓ અંગ્રેજી અને કોમ્પ્યુટર વિષયની જગ્યાએ પ્રેકટીકલ વર્ગો વધુ લેવાનો અભિપ્રાય આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાં આ વિષયોનું પરિણામ જરૂરી ન હોય વાલીઓ પણ અંગ્રેજી, કોમ્પ્યુટર વિષય મુદ્ે રજૂઆત કરી રહ્યા છે.

સતત બીજા વર્ષે બોર્ડ પરીક્ષામાં ૭૫ ટકા પરિણામનું માપદંડ દૂર

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગત વર્ષે કોરોનાની સ્થિતિ વચ્ચે બોર્ડ પરીક્ષામાં ન્યુનત્તમ ૭૫ ટકા લાવવાનું માપદંડ દૂર કર્યુ હતુ. જ્યારે ચાલુ વર્ષે ફરીવાર આ નિર્ણયને કારણે બોર્ડ પરીક્ષાનું મહત્વ ઘટશે એવો મત અપાઈ રહ્યો છે. આચાર્યોના અભિપ્રાય પ્રમાણે, ટોચની ઈજનેરી અને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન, નીટ જેવી પ્રવેશ પરીક્ષા ફરજીયાત કરાઈ છે, ત્યારથી શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની માનસિકતામાં બદલાવ આવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા પર ભાર મુકવાની જગ્યાએ માત્ર જેઈઈ, નીટની તૈયારી પર જ ધ્યાન આપે છે. શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ વિશેષ કોચિંગ કલાસમાં પ્રવેશ લઈ માત્રને માત્ર જેઈઈ, નીટની તૈયારી કરી રહ્યા છે. આ સ્થિતિમાં બોર્ડ પરીક્ષાનું મહત્વ લાંબે ગાળે ઘટશે એમા કોઈ બેમત નથી.

(3:18 pm IST)