Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

એકમ કસોટીના જવાબો લિક કરનારા સામે પગલાં લેવાશે

૩થી ૮ના છાત્રોની દર માસે એકમ કસોટી લેવાય છે : નિષ્ણાંતો દ્વારા પેપર આવે તે સાથે જ તેના જવાબો તૈયાર કરી સોશિયલ મીડિયા અને યૂટ્યૂબ પર મૂકી દેવાતા હતા

અમદાવાદ, તા.૨૩ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો.૩થી ૮ના વિદ્યાર્થીઓ માટે દર મહિને એકમ કસોટી લેવામાં આવે છે. જોકે, એકમ કસોટીના પેપરો વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે સાથે તેના જવાબો પણ પહોંચી  જતાં હોવાની વિગતો સામે આવી છે. કેટલાક વિષય નિષ્ણાંતો દ્વારા પેપર આવે તે સાથે તેના જવાબો તૈયાર કરી સોશિયલ મીડિયા તેમજ યૂટ્યૂબ પર મૂકી દેવામાં આવતા હોવાની વિગતો સામે આવતા હવે  આવા લોકો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે. પેપરના જવાબો પહેલાથી આવી જતાં હોઈ પરીક્ષાનો હેતુ સિદ્ધ થતો હોઈ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં કોરોનાના કહેરના પગલે માર્ચ-૨૦૨૦થી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ હોઈ ઓનલાઈનના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે, ઓનલાઈન માધ્યમથી  શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા છે તેની ચકાસણી કરવા માટે સરકાર દ્વારા ધો.૩થી અને ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓની દર મહિને એકમ કસોટી લેવાનું નક્કી કર્યું હતું. માત્ર સરકારી અને ગ્રાન્ટેડ નહીં પરંતુ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ એકમ કસોટી લેવામાં આવી રહી છે.

અત્યાર સુધી પાંચ એકમ કસોટી યોજાઈ ગઈ છે અને હવે જાન્યુઆરીના અંતમાં છઠ્ઠી એકમ કસોટી લેવામાં આવનાર છે. જે અંગેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે. જોકે, વચ્ચે એકમ કસોટીના પેપરોના  જવાબો જાહેર થઈ જતાં હોવાનું સામે આવ્યું છે. વિભાગ દ્વારા એક દિવસ પહેલા અથવા તો પરીક્ષાના દિવસે એકમ કસોટીના પેપરો ઓનલાઈન મૂકી દેવામાં આવતા હોય છે. જેથી કેટલાક લોકો પેપર  લઈ તેના આધારે તેના જવાબો તૈયાર કરી પરીક્ષા વખતે સોશિયલ મીડિયામાં જાહેર કરી દેતા હોય છે. વિદ્યાર્થીઓએ એકમ કસોટીના જવાબો લખી ચારથી પાંચ દિવસ પછી સ્કૂલમાં ઉત્તરવહી જમા કરાવવાની હોય છે. સ્થિતિમાં કેટલાક લોકો દ્વારા તેના જવાબો તૈયાર કરી સોશિયલ મીડિયા અને યૂટ્યૂબ પર  મૂકી દેવામાં આવતા હોઈ વિદ્યાર્થીઓ તેના પરથી બેઠા જવાબો ઊઠાવી લખી દેતા હોવાનું પણ સામે આવ્યું છે. આમ, સરકારી પેપરોના જવાબો પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સુધી પહોંચી જતાં હોવાની ગંભીર  બાબત સામે આવતા હવે આવા લોકો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

(8:15 pm IST)