Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

૧૦ વર્ષીય અપહૃત બાળકીને શોધવા ડ્રોનની મદદ લેવાઇ

હેબતપુર રેલવે ફાટકના છાપરામાંથી બાળકીનું અપહરણ : બાળકી ગુમ થઈ હતી તેની આસપાસનો નિર્જન વિસ્તાર ૭૦ કર્મી, ડ્રોનની મદદથી તપાસવા છતાં બાળકી ન મળી

અમદાવાદ, તા. ૨૩ : હેબતપુર ફાટક નજીક છાપરામાં રહેતી તથા બરાબર બોલી પણ શકતી દસ વર્ષીય બાળકી ગીતાને ગુમ થયાને એક અઠવાડિયા જેટલો સમય વીતિ જવા છતાં તેની ભાળ મળી નથી. સોલા હાઈકોર્ટ પોલીસે બાળકી જે જગ્યાએથી ગુમ થઈ તેની આસપાસ ખૂબ મોટો નિર્જન વિસ્તાર ૭૦ કર્મચારીઓ તથા ડ્રોન કેમેરાની મદદથી તપાસ્યો હતો છતાં તે મળી આવતાં નાગરિકોને ગુમ બાળકી અંગે જાણ કરવા વિનંતી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ ખોવાયેલી વ્યક્તિને શોધવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો પ્રથમ બનાવ છે.

ગત રવિવારે હેબતપુર રેલવે ફાટક નજીક કાચા છાપરામાં રહેતા ૪૦ વર્ષીય પસીબહેન વીરચંદભાઈ વાલ્મિકીએ સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં તેમની દસ વર્ષીય ભત્રીજી ગીતા તેમના ઘર નજીકથી શનિવારે સાંજે ૪ના સુમારેથી ક્યાંક ચાલી ગઈ હોવાનું અથવા તો કોઈ અજાણી વ્યક્તિ અપહરણ કરી લઈ ગઈ હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી. સોલા હાઈકોર્ટ પોલીસ મથકના સિનિયર ઈન્સ્પેક્ટર જે.પી. જાડેજાએ જણાવ્યું કે, પોલીસે અલગ અલગ ટીમોએ છેલ્લા અઠવાડિયાથી બાળકીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ પરિણામ મળતાં પોલીસે પાંચ હજાર પોસ્ટર્સ છપાવીને રેલવે સ્ટેશન સહિતની મહત્ત્વની જગ્યાઓએ ચોંટાડાવ્યા હતાં. તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળકી જે જગ્યાએથી ગુમ થઈ તેની આજુબાજુ ખૂબ વિશાળ નિર્જન વિસ્તાર છે. તેથી પોલીસે શુક્રવારે ફરી એક વખત સમગ્ર વિસ્તાર તપાસવા ૭૦ કર્મચારીઓની ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની મદદ માટે એરિયલ સર્વેલન્સ કરવા ડ્રોન કેમેરા પણ ઉપયોગમાં લેવાયા હતા. કલાકોની તપાસ છતાં બાળકીની કોઈ ભાળ મળી શકી નથી. આથી જાહેર જનતાને અપીલ છે કે ગરીબ પરિવારની તથા બરાબર બોલી પણ શકતી બાળકી વિશે કોઈને જાણ થાય તો તુરત પોલીસને જાણ કરવી.

(8:16 pm IST)