Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સુપ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાના ઉત્તરાર્ધ મહોત્સવનો મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાવ્યો

નાયબ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ સમગ્ર વિશ્વને એક પરિવાર માનતી આપણી સંસ્કૃતિ છે :જેની સંસ્કૃતિમાં જ સૂર્ય વણાયેલો છે તેવી ગુર્જર સંસ્કૃતિ અને અસ્મિતા આજે અનેક ક્ષેત્રોનાં સર્વાંગી વિકાસના રથ ઉપર સવાર થઈ વિશ્વ માં અગ્રેસર બની છે

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુપ્રસિધ્ધ સૂર્ય મંદિર મોઢેરા ખાતેના ઉત્તરાર્ધ મહોત્સવનો ગાંધીનગર થી ઇ-માધ્યમથી આરંભ કરતા જણાવ્યું હતું કે, જેની સંસ્કૃતિમાં જ સૂર્ય વણાયેલો છે, તેવી ગુર્જર સંસ્કૃતિ અને અસ્મિતા આજે અનેક ક્ષેત્રોનાં સર્વાંગી વિકાસના રથ ઉપર સવાર થઈને સમગ્ર વિશ્વમાં વખણાઇ રહી છે.એટલું જ નહીં, શાસ્‍ત્રીય ગીત-સંગીતના અને નૃત્‍ય કળા   ના  સંવર્ધન માટે પણ  મહોત્‍સવોનું આયોજન કરીને રાજ્ય સરકાર  આ ક્ષેત્રના વિશ્વખ્યાત કલાકારોને  મંચ પૂરું પાડે છે
      આપણે સદનસીબ છીએ કે, ગુજરાતમાં મહત્તમ સૂર્યપ્રકાશ મળી રહ્યો છે, તેવું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, એ સૂર્યપ્રકાશનો સોર ઉર્જા સોલર એનર્જીમાં રૂપાંતરિત કરી ને ગુજરાતે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત વિકસાવ્યા છે.
      તેમણે કહ્યું  કે આધુનિક અને વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્ય શક્તિના મહત્તમ વિનિયોગ માટે સોલર ઉર્જા સોલર એનર્જીનું હબ ગુજરાત બન્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્કનાં શિલાન્યાસ કર્યો છે.
       ઉત્સવના માધ્યમથી લોકો આપણા ઐતિહાસિક વારસાથી વધુ નિકટ આવશે, તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીમાં આ વખતની પ્રજાસત્તાક પર્વની 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની  શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ- સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયમાં મોઢેરાના સૂર્ય મંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવશે.
        અંબાજીથી આસન સોલ અને દ્વારકાથી દિબ્રુગઢ સુધીના ભારતના બધા જ પ્રદેશો રાજ્યો એકબીજા સાથે સાંસ્કૃતિક તાદાત્મ્યથી  જોડાયેલા છે, એમ જણાવતાં શ્રી વિજય ભાઈ રૂપાણીએ પશ્ચિમ ભારતના મોઢેરા સૂર્ય મંદિરના ઉત્તરાર્ધ ઉત્સવ જેમ જ પૂર્વમાં કોર્ણાક સૂર્યમંદિરમાં ડાન્સ ફેસ્ટિવલ યોજાય છે. શક્તિસ્વરૂપા આધ્યા શક્તિનો ઉત્સવ નવરાત્રી ગુજરાતની વૈશ્વિક પહેચાન છે, તો બંગાળનો દુર્ગાપૂજા શક્તિ-આરાધનાનો સમન્વયકારી ઉત્સવ છે. તેની પણ ભૂમિકા આપી હતી.
        મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વસુધૈવ કુટુંમ્બકમ એટલે કે સમગ્ર વિશ્વને પરિવાર માનતી આપણી આ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ તો એક વિચારધારા છે. ભવ્ય પરંપરા છે. જેમાં સૌનું સહ અસ્તિત્વ સ્વીકારાયું છે સહવીર્ય કરવા વહે નો શાશ્વત ભાવ છે. આ સાંસ્કૃતિક એકતા ના માધ્યમથી જ ભારત આજે સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે જગતગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
         અનેકતામાં એકતા જ એ જ આપણી વિશેષતાને આ ઉત્સવ સાકાર કરી સૂર્ય શક્તિની નવિન ઊર્જા થી જન જનમાં વિશ્વ બંધુત્વ સદભાવ સમભાવનો સાક્ષાત્કાર કરાવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

         તેમણે ઉમેર્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ  ટિવિટ કરેલા વરસાદ દરમિયાન મોઢેરાના સૂર્ય મંદિરના નયન રમ્ય નજારાને 3.3 મિલિયન લોકોએ નિહાળ્યો હતો.
         મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાત એક વિરાસત સમૃદ્ધ રાજ્ય છે અને પૂર્વકાલીન દરેક રાજવી વંશ તરફથી એકથી એક ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્ય શિલ્પકલાના ઉત્કૃષ્ટ સાજણા મળ્યા છે. મુનસર તળાવ, બિંદુ સરોવર,સહસ્ત્રલિંગ તળાવ, રુદ્રમહાલય જેવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો અને સ્થળોએ ગુજરાતના ઇતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે. સલ્તનત યુગમાં આપણને સરખેજ રોજા, જામા મસ્જિદ, ચાંપાનેરના અમૂલ્ય સ્થાપત્યો મળ્યાં છે સાથે કચ્છનું રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા અને માંડવી, શિવરાજ પુર  ચોરવાડ નો સમુદ્રકિનારો સાસણના સિંહો, સોમનાથનું પ્રાચીન મંદિર વિવિધતાઓનો લખલૂટ ખજાનો ગુજરાતમાં છે.
         આ પ્રસંગે રમત ગમત અને યુવા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે  શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે મોઢેરા ખાતે યોજાઇ રહેલ ઉત્તરાર્ધ ઉત્સવમાં મણિપુરી નૃત્ય, ભારતના સૌથી પ્રાચીન નૃત્યુ શૈલી માનવામાં આવતી ઓડિસી નૃત્ય, કેરલ રાજ્ય નું સુપ્રસિધ્ધ શાસ્ત્રીય નૃત્ય કથકલી અને દક્ષિણ ભારતના તામિલનાડુનું ભારતનાટ્યમ નામાંકિત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે.
         આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ધારાસભ્ય  કરસનભાઈ સોલંકી, પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણા કલેકટર  એચ.કે પટેલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા

(10:10 pm IST)