Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

નવસારીના સાદકપોર ગ્રામ પંચાયતનાં બે સદસ્ય ગૂમ પંચાયતની ચૂંટણી પહેલા પ્રપંચ: અપહરણની ફરિયાદ

24 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા જ ચકચાર :ચૂંગાલમાંથી છટકેલા સદસ્યને ફરી ઝડપી, લઇ ગયા

નવસારી : પંચાયતની ચૂંટણીમાં હાર-જીત પહેલા થતા પ્રપંચમાં નવસારી પંથકના ગ્રામ પંચાયતના બે સદસ્યો ગૂમ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. અપહરણ કર્તાઓ, છટકી ગયેલા સદસ્યને ફરી પકડી ગયા છે.24 જાન્યુઆરીના રોજ સાદકપોર ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે, બે સદસ્યો ગૂમ થયાની ફરિયાદે ચર્ચા જગાવી છે. 

નવસારીના સાદકપોર ગ્રામ પંચાયતના સભ્ય 2 દિવસથી ગૂમ થયા છે. ઉપસરપંચની ચૂંટણીને કારણે અપહરણ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી 24 જાન્યુઆરીએ ગામમાં ઉપ સરપંચની ચૂંટણી યોજાવાની છે. 2 દિવસથી ગ્રામપંચાયત સભ્ય ગૂમ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગૂમ થયેલા સભ્યએ ફોન પર પરિવારનો સંપર્ક કર્યો હતો. અપહરણકારોના ચૂંગલથી છટકીને સભ્યએ પરિવારને ફોન કર્યો હતો. અને અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાની માહિતી આપી હતી. પરિવાર અને ગામના આગેવાનોને ફોન પર માહિતી આપી હતી. જોકે અપહરણકારો ચાલુ ફોન પર સભ્યને ફરી પકડી લઇ ગયા હતા. ગ્રામ પંચાયત સભ્યની પત્નીએ ચીખલી પોલીસને ફરિયાદ નોંધાવી છે. ચીખલી પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથધરી છે. 

(9:59 pm IST)