Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ગુજરાતમાં 1,379 ડોક્ટરોની જગ્યા ખાલી: ભાજપ સરકાર ભરતી કરવામાં ઉદાસીન : ડો, મનીષ દોશી

આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે આરોગ્ય કર્મચારીઓનું મોટા પાયે આર્થિક શોષણ કરતી ખાનગી એજન્સીઓને ભાજપ સરકારના આશીર્વાદ

અમદાવાદ :  રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે કોંગ્રેસે ફરીવાર ડોક્ટર્સની અછત મુદ્દે રાજ્ય સરકારને આડેહાથે લીધી. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ કે, રાજ્યમાં હાલ ડોક્ટર્સની અછત છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં સુપર સ્પેશિયલિસ્ટ ડોકટરોનું મંજુર મહેકમ 1 હજાર 392 ડોક્ટરનું છે. જેની સામે માત્ર ગણતરીના કહી શકાય એટલા જ ડોક્ટર સરકારી નોકરી પર છે.

રાજ્યમાં 1 હજાર 379 ડોકટરોની જગ્યા ખાલી છે સરકાર આ તમામ પદો પર કોન્ટ્રાકટથી નિમણુંક કરે છે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ તબીબની નિમણુક કરતી નથી. સર્જન, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત સહિતના સુપર સ્પેશ્યાલીસ્ટની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. વારંવારની રજૂઆત છતાં રાજ્યમાં આરોગ્ય માળખાને સુધારવા અને ડોક્ટરોની ભરતી કરવામાં ભાજપ સરકારની નિષ્ફળ ગઈ છે. આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે આરોગ્ય કર્મચારીઓનું મોટા પાયે આર્થિક શોષણ કરતી ખાનગી એજન્સીઓને ભાજપ સરકારના આશીર્વાદ છે. રાજ્યનું આરોગ્ય ખાતું ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બન્યુ છે. વારંવાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સરકારને ફટકાર લગાડે છે તેમ છતાં સરકાર ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફની કાયમી ભરતી કરતી નથી.

(10:25 pm IST)