Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

પૌત્રીની વયની યુવતી પર વૃદ્ધે દાનત બગાડી

ઘરકામ કરવા આવી હતી અને તેને ખેતરે લઈ ગયો : આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આણંદ, તા.૨૩ : આણંદ જિલ્લાનાં ઉમરેઠમાં ૬૨ વર્ષીય વૃદ્ધે પોતાનાં જ ઘરમાં માતા સાથે ધરકામ કરવા આવતી ૧૯ વર્ષની વયની માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠ શહેરમાં ભાટવાડામાં રહેતા મુકેશ પટેલનાં ઘરે ધરકામ માટે એક મહિલા પોતાની ૧૯ વર્ષની માનસિક અસ્થીર દીકરી સાથે આવતી હતી. ૬૨ વર્ષની વયનાં વૃદ્ધ નરાધમ મુકેશ પટેલની આ યુવતી પર દાનત બગડી હતી. યુવતી બે દિવસ પૂર્વે સાંજનાં સુમારે મુકેશ પટેલના ઘરે ઘરકામ કરવા માટે ગઈ હતી, ત્યારે મુકેશ પટેલ તેણીને ફોસલાવી પટાવીને મોટર સાયકલ પર બેસાડીને ગામનાં દામોદરીયા વડ પાસે આવેલા ખેતરમાં લઈ ગયો અને જયાં કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું.

યુવતી રાત્રિનાં પોણા આઠ વાગ્યા સુધી ઘરે પરત નહી આવતા યુવતીનાં પરિવારજનોએ મુકેશ પટેલનાં ઘરે તપાસ કરતા તે મળી ન આવી હતી અને ત્યારબાદ યુવતી દામોદરીયા વડ પાસેથી મુકેશ પટેલ સાથે મળી આવી હતી. તેણીનાં પરિવારજનોએ પુછપરછ કરતા યુવતીએ પોતાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત જણાવી હતી. જેથી આ બનાવ અંગે તેણીનાં પરિવારજનો યુવતીને લઈને ઉમરેઠ પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે મોડી રાત્રે યુવતીની માતાની ફરિયાદનાં આધારે નરાધમ મુકેશ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોતાની પૌત્રીની વયની ૨૦ વર્ષિય યુવતી પર ૬૨ વર્ષનાં વૃદ્ધ નરાધમે દુષ્કર્મ આચરતા સમગ્ર ઉમરેઠ પંથકમાં લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. પોલીસે આ ઘટનામાં આરોપી મુકેશ પટેલને ઝડપી પાડી તેનો કોરોનાં ટેસ્ટ કરાવ્યા બાદ વિધિવત દુષ્કર્મનાં કેસમાં ધરપકડ કરી છે. સાથે જ તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. જ્યારે કે, પીડિત યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવી આ ઘટનામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(7:37 pm IST)