Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડની મેચના કારણે પાયલટ દંપતીના લગ્ન અટવાયા :આખરે પોલીસે કાઢ્યો ઉકેલ

હયાત હોટેલની ભૂલના કારણે જીસીએ ના પાડી: કંકોત્રી વહેચાઈ ગઈ હોવાથી પોલીસે બંદોબસ્ત ગોઠવી મદદ કરી

અમદાવાદ: શહેરની આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાતમાં લગ્ન પ્રસંગના આગલા દિવસે રદ કરવો અથવા સ્થળ બદલવાની વાત આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું. પરંતુ જોઇન્ટ કમિશનર રાજેન્દ્ર અસારીને મળતા તેમને જીસીએનાં સિનિયર અધિકારીઓ સાથે વાત કરી બંદોબસ્ત વધારી દઈ ઇન્ડિગોના બે કેપ્ટનના લગ્નના સાત ફેરા પૂર્ણ કરાવ્યા હતા. હોટેલ હયાતની બુકિંગની ભૂલના કારણે પરિવાર પરેશાન થયો હતો.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ યોજાવવાની છે, ત્યારે અમદાવાદમાં બન્ને ક્રિકેટ ટીમના સભ્યો અમદાવાદ પહોંચી ગયા છે. બંને ટીમના ક્રિકેટરો માટે અમદાવાદ આશ્રમ રોડ પર આવેલી હયાત હોટેલના અમુક ચોક્કસ ફ્લોર જીસીએ દ્વારા બુક કરવામાં આવ્યા હતાં. ઇંગ્લેન્ડ અને ભારતના ક્રિકેટરો હયાત હોટેલમાં રોકાયા હોવાથી ત્યાં સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન હોટેલમાં 21 ફેબ્રુઆરીએ ઇન્ડિગો ફ્લાઇટનાં બે પાયલટ દંપતીના લગ્ન થવાના હતા. બન્ને પરિવારે સરકારના નિયમ મુજબ માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ સાથે હાજર રહેવા માટે 200 મહેમાનોને આમંત્રણ આપી દીધું હતું. પરંતુ ક્રિકેટરો હોટેલમાં આવી જતા લગ્નના અગલા દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ બુકિંગ કેન્સલ કરવા અથવા સ્થળ બદલવા પોલીસે જણાવી દીધું હતું. આ સાંભળી પરિવાર પર આભ ફાટ્યું હતું.

પરિવાર પોલીસ અધિકારીઓને આજીજી કરવા લાગ્યો હતો. દરમિયાનમા પરિવારના સભ્યો શહેરના સેક્ટર-1ના જોઇન્ટ કમિશનર રાજેન્દ્ર અસારીને મળ્યા હતા. તેમને પરિવારે રજૂઆત કરતા તેઓએ હોટેલની વ્યવસ્થા અને. ક્રિકેટરોની સેફ્ટી અંગે ચર્ચા કરી તેમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સાંભળી પરિવારના જીવમાં જીવ આવ્યો હતો. તેઓ પોલીસથી ખુશ થઈ પરત ફર્યા અને મોડી સાંજે લગ્નના ડેકોરેશનની તૈયારી કરી હતી. I

હોટેલ હયાતમાં લગ્નના પરિવારે ક્રિકેટરો માટે બુકિંગ થયું તે પહેલાં બુકિંગ કરાવ્યું હતું, પરંતુ હોટલે ક્રિકેટ એસોસિયશનને આ અંગે યોગ્ય જાણ કરી નહિ અને પરિવાને પણ ક્રિકેટરોના બુકિંગ અંગે જાણ કરી નહતી. જોકે છેલ્લા સમયે સુરક્ષાને ધ્યાને લઈ પોલીસે લગ્ન અટકાવી દેતા પરિવાર દુવિધામાં મૂકાયો અને તેમને પોલીસ અધિકારીઓને મળીને આજીજી કરવી પડી હતી.

લગ્ન ગ્રંથિથી જોડાનાર બન્ને પતિ પત્ની ઇન્ડિગોમા કેપ્ટન છે અને લગ્નના આગલા દિવસે જ લગ્ન રદ કરવાની નોબત આવતા અમદાવાદના જોઇન્ટ કમિશનરે જીસીએના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી સમસ્યાનો રસ્તો કરવા મદદ કરી હતી.

હોટેલ મેનેજમેન્ટ ક્રિકેટરોનું હોટેલમાં બુકિંગ થાય તે પહેલાં લગ્નનું બુકિંગ લઇ લીધું હતું, પરંતુ લગ્નના દિવસ પહેલા જ ક્રિકેટરો હોટેલમાં આવી જતા લગ્નનું સ્થળ બદલવું પડે તેવી સ્થિતિ હતી. તેથી હોટેલ હયાત તરફથી પરિવારને હોટેલ તાજ માં ખસેડવા ઑફર કરી હતી

લગ્ન સ્થળ જાન્યુઆરીમાં નક્કી થયું હોવાથી કંકોત્રી વહેચાઈ ગઈ હતી અને આગલા દિવસે સ્થળ બદલી શકાય તેમ નહતું. તેથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

લગ્નના આગલા દિવસે જ મહિલા કેપ્ટનને પોતાના લગ્નનું સ્થળ ન બદલાય તે માટે કમિશનર ઓફિસ આજીજી કરવા પરિવાર સાથે જવું પડ્યું હતું

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિમમાં પ્રથમ મેચ યોજાવવા જઇ રહી છે. મોટેરા સ્ટેડિયમમાં પ્રથમ મેચ અને ભારત- ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ અહીં રમાવવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા ખાતે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે. જ્યારે સીરીઝની ચોથી ટેસ્ટ મેચ પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાવવાની છે. આ ઉપરાંત ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે થનારી ટી-20 સીરીઝની 5 મેચ મોટેરા સ્ટેડિયમમાં ખાતે રમાશે.

(12:36 am IST)