Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ભારત - ઇંગ્લેન્ડ મેચ પહેલા મોટેરા સ્ટેડિયમ બહાર વિરાટ- રોહિતની ટી-શર્ટ લેવા માટે લોકોની પડાપડી

અંદાજે 10 હજાર જેટલી ટી શર્ટો અને 2000 જેટલી ટોપીનું થશે વેચાણ :સૌથી વધારે વિરાટ લખેલી ટી શર્ટનો ક્રેઝ

અમદાવાદ : 24 ફેબ્રુઆરીએ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે ઇન્ડીયા-ઇંગ્લેન્ડની મેચ રમાવવા જઈ રહી છે. જેથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જયારે મેચ દરમિયાન લોકો પોતાના મનપસંદ ક્રિકેટરના નામના મોટા બેનરો,ટેટુ અને ટી શર્ટ પહેરી મનોરંજન કરતા હોય છે. ત્યારે આજે મોટેરા સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ટી શર્ટ અને ટોપીનું પુર જોશમાં વેચાણ થઈ રહ્યું છે અને લોકો પોતાના ખેલાડીઓના નામ વાળી ટિ શર્ટ ખરીદતા જોવા મળ્યા છે. જેમાં સૌથી વધારે વિરાટ લખેલી ટી શર્ટ વચાઈ રહી છે

હાલ મેચની ટિકિટ લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જો કે, આજે ક્રિકેટરોની પ્રિન્ટ વાળી ટી શર્ટ અને ટોપી ખરીદવા માટે પણ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. 50 જેટલા ફેરિયાઓ સ્ટેડિયમ બહાર વેચાણ કરવા અર્થે પહોંચી ગયા હતા. લોકોએ સૌથી વધારે વિરાટ કોહલીની ટી શર્ટ ખરીદી હતી. આ ટી-શર્ટ અંદાજે 200 રૂપિયા સુધીમાં વેચાઇ હતી. તેની સાથે 100 રૂપિયાના કિંમતની ટોપીનું પણ મોટી સંખ્યામાં વેચાણ થવા પામ્યું હતું. આ તમામ ફેરિયાઓ કોલકાતા, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરથી આવ્યા હતા.

આ અંગે ફેરિયાએ જણાવ્યું હતું કે, તેઓ અનેક વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વખતની ટેસ્ટ દરમિયાન તેમણે વિરાટના નામ વાળી અને સફેદ કલરની ટી શર્ટ વધુ વેચી છે. તેની સાથો સાથ રોહિતની પણ ટી શર્ટો ઘણા સારા પ્રમાણમાં વેચાઇ હતી. લોકોએ ટી-શર્ટની સાથે ગોળ ટોપીઓ વધારે પ્રમાણમાં ખરીદી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ટેસ્ટ સિરીઝમાં અંદાજે તેઓ 10 હજાર જેટલી ટી શર્ટો અને 2000 જેટલી ટોપી વેચશે. અત્યારે 50થી વધુ ફેરિયાઓ સ્ટેડિયમની બહાર વેચાણ કરી રહ્યા છે જે મેચ પૂરી થશે ત્યાં સુધી અહીંયા રોકાઈને પોતાનો સામાન વેચશે.

(10:10 am IST)