Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ભરૂચની કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટઃ ૨૪ લોકો ઘાયલઃ ૧૨ કિમી સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો

અમદાવાદઃ ભરુચ જિલ્લામાં મંગળવારની સવાર અમંગળ લઈને આવી છે. અહીંની ઝઘડિયા સ્થિત કેમિકલ કંપની યૂપીએલ - ૫ના પ્લાન્ટમાં ધમાકા સાથે આગ લાગી છે. આ ધમાકા અને આગની ઝપેટમાં ૨૪ લોકો ઘાયલ થયા છે. આ ઘટના વહેલી સવારે ૨ વાગે બની હતી.

ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે અનેક ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરાઈ રહી છે. કંપનીના સીએમ નામના પ્લાન્ટમાં આ દુર્દ્યટના બની છે. ધમાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ૧૨ કિમી સુધી અવાજ સંભળાયો અને ભૂકંપ જેવું અનુભવાયું હતું. ગામના લોકો દ્યરની બહાર નીકળી આવ્યા હતા.

યૂપીએલની કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાથી લગભગ ૨૪ કર્મચારીઓ ઘાયલ થયા છે. તેમને ભરુચ અને વડોદરાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ કયા કારણે થયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરાઈ રહી છે. આગના કારણે ચારે તરફ ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે.

ગયા વર્ષે જૂનમાં ભરુચની એક કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ સ્ટોરેજ ટેંકમાં થયો હતો. પટેલ ગ્રૂપની આ કંપનીમાં બ્લાસ્ટના કારણે ૧૦ લોકોના મોત થયા હતા અને ૬ લોકોના મૃતદેહ તો બ્લાસ્ટની જગ્યાએ જ મળ્યા હતા. અન્ય ૪ના સારવાર સમયે મોત થયા હતા.અને સાથે જ ૭૭ લોકો ઘાયલ થયા હતા.

(1:01 pm IST)