Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મહેસાણા તાલુકાના વડસ્મા ગામમાં રાત્રીના સુમારે નીકળેલ વરઘોડામાં ઠેસ વાગવાના મુદ્દે સર્જાયેલ તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું: યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

મહેસાણા:તાલુકાના વડસ્મા ગામમાં રાત્રીના સુમારે નીકળેલા વરઘોડા વખતે ઠેસ વાગવાના મુદ્દે સર્જાયેલી તકરાર ઉગ્ર બનતાં ધિંગાણું સર્જાયું હતું. જેમાં એક યુવાનને છરીના ઘા ઝીંકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખસો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વડસ્મા ગામમાં રહેતા નરેશ ઉદેસિંહ સોઢા ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ રાત્રીના સુમારે પોતાના ભાણીયા સાથે ખેતરમાં ખેતીકામ માટે ઘરેથી જવા નીકળ્યા હતા. તે વખતે માર્ગમાં રાવળવાસ નજીક વરઘોડો આવી રહ્યો હતો. જેમાં નૃત્ય કરી રહેલા જગદીશ અમરતભાઈ રાવળ એકાએક નરેશ સોઢા ઉપર પડતાં ઝઘડો થયો હતો. જોતજોતામાં પરિસ્થિતિ વણસતાં ઉશ્કેરાયેલા વિક્રમ રાવળે પોતાના હાથમાની છરીના ઘા મારતાં નરેશને ઈજાઓ થઈ હતી. જ્યારે ગણપત ઉર્ફે ગયો સહિત બે શખસોએ ધોકા અને ગડદાપાટુનો માર માર્યો હતો. તે વખતે થયેલી ઝપાઝપીમાં ઈજાગ્રસ્તનો પાંચ તોલા સોનાનો દોરો અને રૃ.૧૦ હજારની રોકડ પડી ગઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખસો સામે ગુનો દાખલ કર્યો હતો.

(4:59 pm IST)