Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રારંભથી જ ભાજપ જીત તરફ આગળ વધતુ હતુઃ આપ, એઆઇએમઆઇએમ કે અન્‍યના ખાતા ન ખુલ્‍યા

અમદાવાદઃ વડોદરા કોર્પોરેશન ચૂંટણીમાં 47.84 ટકા જેટલું મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. વડોદરાના પોલિટેકનિક કોલેજ ખાતે તંત્રએ મતગણતરી હાથ ધરવામાં આવી છે. હાલ મતગણતરી ચાલી રહી છે ત્યારે પરિણામ પર નજર કરીએ તો વડોદરામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. એક બાદ એક વોર્ડની બેઠકોના પરિણામો સામે આવી રહ્યાં છે તેમાં ભાજપ બાજી મારતું જોવા મળી રહ્યું છે. વડોદરામાં કુલ 76માંથી 48 બેઠકોનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. જેમાં ભાજપ 41 અને કોંગ્રેસ 7 બેઠકો પર જીત્યું. આપ, એઆઈએમઆઈએમ અન્યએ ખાતુ ખોલ્યું નથી. આમ, સંસ્કારનગરી વડોદરામાં ભાજપે બહુમત હાંસલ કરી લીધો છે.

વડોદરાની કુલ 76 બેઠકોના 279 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો

વડોદરા કોર્પોરેશન ચૂંટણીમાં કુલ 19 વોર્ડ છે, જેની 76 બેઠકો માટે મતદાન યોજાયું હતું. વડોદરા મનપામાં 76 બેઠકો પર કુલ 279 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આજે કાઉન્ટીંગમાં સૌથી પહેલાં વડોદરાના વોર્ડ 1, 4, 7, 10, 13, 16 ના પરિણામ આવશે. બીજા રાઉન્ડમાં વોર્ડ 2, 5, 8, 11, 14, 17 ના પરિણામ આવશે. ત્રીજા રાઉન્ડમાં વોર્ડ 3, 6, 9, 12, 15, અને 18ના પરિણામ આવશે. તબક્કાવાર વોર્ડ પ્રમાણે મતગણતરી, ચૂંટણી એજન્ટ અને ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. તમામ વોર્ડના મતગણતરી અને ચૂંટણી એજન્ટ, ઉમેદવારોને એકસાથે પ્રવેશ નહિ મળે. બે રૂમમાં 14 ટેબલ પર એકસાથે 14 ઈવીએમની મતગણતરી થશે, જેના માટે એક રિટર્નિંગ ઓફિસર, અને એક આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિમાયા છે.

વડોદરામાં કુલ 47.84 ટકા મતદાન થયું

વડોદરામાં કોર્પોરેશન ચૂંટણીમાં 47.84 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ-1 માં 55.21 ટકા થયું અને સૌથી ઓછું મતદાન વોર્ડ-11 માં 42.55 ટકા થયું છે. વડોદરામાં 14,46,212 મતદારોમાંથી 6,91,914 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 3,77,092 પુરુષો અને 3,14,822 સ્ત્રીઓએ મતદાન કર્યું છે. આ અગાઉ વર્ષ 2015 માં 48.71 ટકા મતદાન થયું હતું.

વડોદરામાં મતગણતરી માટે કરાઈ છે ખાસ તૈયારીઓ

કાઉન્ટીંગ માટે પોલિટેકનિક કોલેજમાં 8 સ્ટ્રોંગ રૂમમાં બનાવવામાં આવ્યાં છે.પોલિટેકનિક કોલેજ ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સ ના જવાનો બંદોબસ્તમાં તૈનાત છે.

મતગણતરી પહેલાં ઉચ્ચઅધિકારીઓએ લીધી કાઉન્ટીંગ સેન્ટરની મુલાકાત

વડોદરાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે પોલિટેકનિક કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. કલેકટર સાથે સ્થાનિક ડીસીપી અને એસીપી પણ હાજર હતા. સ્ટ્રોંગ રૂમની બહાર સીસીટીવી કેમેરા લગાવાયા છે. સ્ટ્રોંગ રૂમની આસપાસની ગતિવિધિ જેતે પક્ષના એજન્ટો જોઈ શકે તે માટે બહાર બે સ્ક્રીન પણ લગાવાઈ છે.

મતગણતરી સેન્ટર પર કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન

માસ્ક, હેન્ડ સેનેટાઈઝર, મેડીકલ ટીમ તૈયનાત રહેશે, થર્મલ ગનથી તમામનું ટેમ્પરેચર ચેક કરવામા આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વોર્ડ પ્રમાણે કેટલા ટકા મતદાન થયું

વોર્ડ-1 માં 55.21 ટકા, વોર્ડ-2 માં 47.76 ટકા, વોર્ડ-3 માં 47.70 ટકા, વોર્ડ-4 માં 51.38 ટકા, વોર્ડ-5 માં 48.45 ટકા, વોર્ડ-6 માં 48.91 ટકા, વોર્ડ-7 માં 45.86 ટકા, વોર્ડ-8 માં 45.28 ટકા, વોર્ડ-9 માં 45.44 ટકા, વોર્ડ-10 માં 48.47 ટકા, વોર્ડ-11 માં 42.55 ટકા, વોર્ડ-12 માં 47.87 ટકા, વોર્ડ-13 માં 48.21 ટકા, વોર્ડ-14 માં 46.24 ટકા, વોર્ડ-15 માં 44.90 ટકા, વોર્ડ-16 માં 50.78 ટકા, વોર્ડ-17 માં 43.19 ટકા, વોર્ડ-18 માં 52.37 ટકા અને વોર્ડ-19 માં 49.60 ટકા મતદાન થયું છે.

(5:47 pm IST)