Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

દુષિત પાણીની સમસ્‍યા હલ કરવા માટે અમદાવાદની પીએચડીની વિદ્યાર્થીની દેવાંગી શુકલએ પાણીનું શુદ્ધિકરણ કરવાની દિશામાં ઉકેલ શોધ્‍યો

અમદાવાદ: અમદાવાદની પી.એચ.ડી સ્ટુડન્ટ દેવાંગી શુક્લએ દૂષિત પાણીનું શુદ્ધિકરણ કરવાની દિશામાં ઉકેલ શોધ્યો છે. 5 વર્ષના રિસર્ચ બાદ દેવાંગીએ દૂષિત પાણીથી જ ખરાબ પાણીને સ્વચ્છ કરવાનો ઉકેલ શોધ્યો છે. બાયોરેમિડીએશન પદ્ધતિથી પાણીને ઓછા ખર્ચે શુદ્ધ કરી અને તેને પીવા સિવાયના તમામ ઉપયોગમાં લઈ શકવાનો દાવો કર્યો છે.

જે એકમોમાંથી દૂષિત પાણી છોડાય છે, એ જ પાણીમાંથી બેક્ટેરિયાની ઓળખ કરી, બેક્ટેરિયાનું વિષ્લેષણ કરી તેને દુષિત પાણીમાં ભેળવ્યા અને ખરાબ પાણીને શુદ્ધ કર્યાનો સંશોધનમાં દાવો કરાયો છે. આ પદ્ધતિ હેઠળ એક લિટર પાણીને ચોખ્ખું કરવા લગભગ દોઢથી બે કલાક જેવો સમય લાગે છે. આ પદ્ધતીથી પાણી શુદ્ધ કરવામાં આવે તો 70 ટકાથી વધુ પાણી ચોખ્ખું કરી શકાય છે.

દેવાંગીએ મુખ્યત્વે મેટલ પ્લેટિંગ ઉદ્યોગમાંથી છોડવામાં આવતા પાણીની સાથે સાથે ટેક્સટાઇલ અને કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP), જ્યાં તમામ પ્રકારના ઔદ્યોગિક એકમોનું પાણી સામૂહિક રીતે સ્વચ્છ કરવાની પ્રક્રિયા થાય છે. તેના સેમ્પલ લઇને લેબોરેટરીમાં રિસર્ચ કર્યુ છે. GIDC ના 3 અલગ અલગ ફેઝમાંથી 25 લિટર માત્રામાં પાણીના સેમ્પલ લઈ વર્ષ 2018-19 દરમિયાન સમયાંતરે પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.

પાણીમાંથી દેવાંગીને 160 પ્રકારના અલગ અલગ બેકટેરિયા શોધ્યા, જે માટે 8 મહિનાનો સમય લાગ્યો હતો. જેમાંથી 12 બેકટેરિયા એવા અલગ તારવ્યા કે જે સારુ પરિણામ આપી શકે છે. 12 બેક્ટેરિયા પૈકી 4-4 બેક્ટેરિયાના 3 જૂથ બનાવ્યા, જેને D-1, D-2, D-3 નામ આપ્યુ, પાણીના શુદ્ધિકરણની માત્રા D-1માં 95 ટકા, D-2માં 85 ટકા, D-3માં 75 ટકા જોવા મળી હતી. સંશોધન માટે તેને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ફેલોશિપ હેઠળ આર્થિક મદદ પણ મળી છે.

(5:48 pm IST)