Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મતદાનના દિવસે માસ્ક માટે ફક્ત ચાર લોકોને જ દંડ થયો

૨૩ જાન્યુ.ના રોજ માસ્ક ન પહેરવા ૨૧૮૭ કેસ : ચૂંટણી જાહેર થતા કેસ નોધાવાનું ઘટી ગયું અને મતદાનના દિવસે આખા અમદાવાદમાં માત્ર ચાર જ કેસ નોંધાયા

અમદાવાદ,તા.૨૩ : માંડ ૬ મહિના પહેલાની વાત છે જ્યારે રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને નિયમનું પાલન કરાવવા માટે માસ્ક ન પહેરવા બાબતનો દંડ રુ. ૫૦૦થી વધારીને રુ. ૧૦૦૦ કરવામાં આવ્યો હતો જેથી કોરોનાના વધતા કેસને નિયંત્રિત કરી શકાય. મહત્વનું છે કે જાન્યુઆરી સુધીમાં તો માસ્ક ન પહેરવા બાબતે અમદાવાદમાં કુલ ૨૦૦૦ કેસ પણ નોંધવામાં આવ્યા હતા. જોકે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા કોરોના પણ પોતાની જાતે જ ગાયબ થઈ ગયો અને હવે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસને માસ્ક ન પહેરવા બાબતે મતદાનના દિવસે એટલે કે ગત રવિવારે આખા દિવસમાં માત્ર ૪ જ લોકો મળ્યા હતા. આ સ્થિતિ તેના પછી જ્યારે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અન્ય તમામ ઓથોરિટીને કોરોના સામે લડવા માટે સજ્જ રહેવા આદેશ આપ્યો છે. કારણ કે છેલ્લા થોડા દિવસોથી નવા કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે શહેર પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ રવિવારે મતદાનના દિવસે તેમણે ફક્ત અને ફક્ત રુ. ૪૦૦૦ માસ્ક ન પહેરવા માટેના દંડ પેટે વસૂલ્યા હતા. કોરોના મહામારી આવ્યા પછી અને લોકડાઉનથી લઈને અનલોક અને અત્યાર સુધીના સમયમાં આ કદાચ સૌથી ઓછા કેસ એક દિવસમાં નોંધવામાં આવ્યા હોય તો તે ચૂંટણીના દિવસે છે. જોકે પોલીસે પોતાનો બચાવ કરતા કહ્યું કે આની પાછળ ચૂંટણી દરમિયાન તેમની વધારાની ફરજો કારણભૂત હતી. જોકે ઓફ ધ રેકોર્ડ કેટલાક પોલીસવાળાએ જણાવ્યું હતું કે અમને ઉપરથી આદેશ છે કે ચૂંટણી અને મતદાનના દિવસોમાં લોકોને માસ્ક મામલે બહુ રોકવા ટોકવા નહીં.

જ્યારે આ અંગે વાત કરતા ઉચ્ચ પોલીસ અધિકારી અને ડીસીપી(કંટ્રોલ) હર્ષદ પટેલે કહ્યું કે ચૂંટણી ફરજોના કારણે પોલીસ ખૂબ જ વ્યસ્ત હતી. શહેરમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય માટે ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના પોલીસ જવાન ઉપરાંત વધારાના જવાનોને પણ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે આ બધામાં મજાની વાત તો એ છે કે ચૂંટણી ડ્યુટી અને વ્યસ્તતાના બહાના હેઠળ માસ્ક ન પહેરવા માટે દંડ કે કેસ ન નોંધનારી પોલીસે બીજા જુદા જુદા ગુના હેઠળ શહેરમાં તે દિવસે અનેક ફરિયાદો નોંધી હતી જેવી કે દારુબંધી, જુગાર અને બીજી આઈપીસીની અનેક કલમો હેઠળ કેસ રાબેતા મુજબ જ નોંધાયા છે. અન્ય એક પોલીસ અધિકારીએ નામ આપ્યા વગર જણાવ્યું કે અમને સૂચના આપવામાં આવી હતી કે ચૂંટણી સમયે અને ખાસ કરીને મતદાનના દિવસે લોકોને માસ્ક મામલે ખાસ દંડ કરવો નહીં. જે ૨૩ જાન્યુઆરી પછી પોલીસ ચોપડે સતત ઘટતા જતા માસ્ક ન પહેરવા બાબતના ગુનાની સંખ્યા પરથી ખ્યાલ આવી શકે છે.

મહત્વનું છેકે ૨૩ જાન્યુઆરીના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. આ દિવસે શહેર પોલીસે માસ્ક મામલે કુલ ૨૧૮૭ કેસ નોંધ્યા હતા અને ૬ ફેબ્રુઆરીના દિવસ સુધીમાં આ કેસની સંખ્યા પ્રતિ દિવસ મુજબ ઘટીને ૬૦૦ પર આવી ગઈ હતી. મહત્વનું છેકે ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકર્તાઓ કેવી રીતે કોવિડ-૧૯ ગાઇડલાઈન્સના ધજાગરા ઉડાવતા હતા તેના અંગે અમે અહેવાલ આપ્યો હતો. અને તેમ છતા પોલીસે ફેબ્રુઆરી ૨૦ના દિવસે આખા દિવસમાં ફક્ત ૨૯૪ જેટલા જ કેસ નોંધ્યા હતા. આ એ દિવસ હતો જે દિવસે ગુજરાત હાઈકોર્ટે વધતા જતા કોરોના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ૩૦૦ જેટલા એમબીબીએ વિદ્યાર્થીઓ જેઓ કોવિડ ડ્યુટીમાં જોઇન થવાની તૈયારી કરી રહ્યા હતા તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જિસ્ટિસ જેબી  પારડીવાલાની બેંચે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ સતત વકરી રહી છે. આ ચૂંટણી અને તેને લઈને અપનાવવમાં આવતું બેફિકરાઈ ભર્યું વલણ કાબૂમાં આવેલી સ્થિતિને ફરી એકવાર બેકાબૂ તરફ લઈ જઈ રહી છે. કોર્ટે કહ્યું હતું કે, અમે સરકારને અને તમામ ઓથોરિટીને તૈયાર રહેવા માટે કહીએ છીએ કારણે કે આપણને ખબર નથી કે આ ફરી વખત આવતો વાયરસ હવે કેવી રીતે વર્તશે.

(9:28 pm IST)
  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST

  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST

  • અમદાવાદના જમાલપુરમાં વિવાદાસ્‍પદ એમએલએ ઓવૈસીની પાર્ટીનો વિજય access_time 5:48 pm IST