Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વડોદરામાં કપૂરાઈ ટાંકી નજીક પંપ હાઉસ બનાવવાના વધુ ભાવના ટેન્ડર આપવામાં આવતા વિવાદ સર્જાયો

વડોદરા: વડોદરા કોર્પોરેશન દ્વારા કપુરાઇ ટાંકી ખાતે બનાવવામાં આવેલ નવીન સંપ ઉપર પંપ હાઉસ બનાવવા કામગીરી હાથ ધરી છે. જેમાં મશીનરી સમલગ્ન કામગીરી માટે રિદ્ધિ એન્જિનિયર્સનું અંદાજ કરતા 7.97 ટકા વધુ મુજબનું 2.51 કરોડ ઉપરાંતનું ભાવપત્ર મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ કપુરાઈ ટાંકી ખાતે નવા ભૂગર્ભ સંપ ઉપર પંપ હાઉસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ નંગ સબમર્જ વર્ટિકલ ટર્બાઇન ટાઈપના 40 મીટર હેડ, 906 ઘન મીટર પ્રતિ કલાક કેપેસિટી તથા 159 કિ.વો રેટિંગના પંપ સાથે સમલગ્ન ઇલેક્ટ્રોનિક મિકેનિકલ મશીનરી ખરીદી બેસાડી પંપ હાઉસ કાર્યરત કરાશે. જેમાં સિવિલ અને ઇલેક્ટ્રીક મિકેનિકની સંયુક્ત કામગીરીનો જીએસટી સાથે 2,48,99,934નો અંદાજ છે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા બે વખતના પ્રયત્નો છતાં એક પણ ઈજારદારે રસ દાખવ્યો હતો. ત્રીજા પ્રયત્ને ત્રણ ઈજારદારો પૈકી બે ઇજારદારો ક્વોલીફાઈ થયા હતા. જેમાં રિદ્ધિ એન્જિનિયર્સનું અંદાજથી 8.51 ટકા વધુ મુજબ 2,52,51,937 તથા રાજશ્રી ઇન્ફ્રા પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડનું 43.97 ટકા વધુ મુજબ 3,35,02,285નું ભાવપત્ર રજૂ થયું હતું. ઇજારદાર રિદ્ધિ એન્જિનિયર્સને ભાવ ઘટાડો કરવા જણાવતા માત્ર અડધો ટકો ભાવ ઘટાડ્યો છે. અને જણાવ્યું છે કે પ્રવર્તમાન માર્કેટ રેટ સાથે સરખામણી કરતા 5.2 ટકા ઓછું થતું હોય વ્યાજબી છે. આમ , રિદ્ધિ એન્જિનિયર્સનું ભાવ પત્ર ઘટાડા બાદ અંદાજ કરતા 7.97 ટકા વધુ મુજબ 2,51,25,677નું આવ્યું હોય વધુ 2.25 લાખ ચુકવાશે.

(6:51 pm IST)