Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વડોદરામાં પીસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી દારૂ બિયરનો જથ્થો વેંચતા બે શખ્સોની ધરપકડ

વડોદરા: પીસીબી પોલીસે જવાહરનગર પોલીસ મથક હદમાં વિદેશી દારૂના વેચાણ સ્થળે દરોડો પાડી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડતા જવાહરનગર પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. તાજેતરમાં આવા અનેક પ્રકારના કિસ્સા છતાં પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાનો પરિપત્ર હાલ અભરાઈએ ધૂળ ખાતો હોય તેમ લાગે છે. ફતેગંજ વિસ્તારના મોમીન પાર્ક ખાતે રહેતો ઇમરાન ઉર્ફે દરબાર ઇબ્રાહીમ રાઠોડ કરોળિયા રોડ ઉપરની મસ્જિદની પાછળના ભાગે એક રૂમમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ વેચાણ કરતો હોવાની માહિતી વડોદરા પીસીબી ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી ઇમરાન રાઠોડને ઝડપી પાડ્યો હતો. અને રૂમમાં તપાસ કરતાં મહંમદ ખાલીદ કાસમભાઇ શેખ (રહે -રમેશનગર મસ્જિદ સામે ,કરોળિયા રોડ) દારૂ બિયરના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે રોકડા રૂ.11,750 , 04 મોબાઈલ ફોન, 23,600 ની કિંમતની દારૂની 119 બોટલો તથા 2400 ની કિંમતના બિયરના 24 ટીન સહિત કુલ રૂ 77,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો આપનાર વારસ્યાના રહેવાસી મુકેશ ઉર્ફે મુક્કું અને શ્યામને વોન્ટેડ જાહેર કર્યા હતા.

(6:53 pm IST)