Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ભાજપ દ્વારા સદસ્‍યતા, વૃક્ષારોપણ, યોગ વગેરે અભિયાન : કારોબારીમાં નિર્ણયો

મોદી શાસનના ૮ વર્ષ પૂર્ણ થતા ઉજવણી થશે : રાજય-કેન્દ્ર સરકારને અભિનંદન માટે પ્રદેશ કારોબારીમાં ઠરાવ : રણનીતિ ચૂંટણીલક્ષી

આજે કમલમ ગાંધીનગર ખાતે ભાજપની કારોબારી પ્રસંગે સી.આર. પાટીલ, ભૂપેન્‍દ્રભાઇ પટેલ, સુધીર ગુપ્તા, પરસોતમ રૂપાલા, રત્‍નાકર અને અપેક્ષિત સભ્‍યો ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ, તા.ર૩ :  ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રમુખ સી.આર. પાટીલની અધ્‍યક્ષતામાં મળેલ. જેમાં વિધાનસભાની ચૂટણી અને આગામી કાર્યક્રમો સંદર્ભે ચર્ચા કરવામાં આવી રહી છે. આ વખતની કારોબારીમાં તમામ સભ્‍યો ઉપરાંત ધારાસભ્‍યો, સાંસદો, શહેર જિલ્લા પ્રભારીઓ વગેરેને બોલાવવામાં આવ્‍યા છે. સવારથી સાંજ સુધી બેઠક ચાલશે. આગામી દિવસોમાં સભા નોંધણી, વૃક્ષારોપણ, યોગદિવસની ઉજવણી કેન્‍દ્રની મોદી સરકારને ૮ વર્ષ પુરા થતા તેની ઉજવણી વગેરે કાર્યક્રમો થનાર છે.
આજે કારોબારીની બેઠક પૂર્વ ગઇકાલે સાંજે પ્રદેશ હોદ્‌ેદારોની બેઠક મળેલ. જેમાં આજની કારોબારીની રૂપરેખા તૈયાર થયેલ. બેઠકમાં શ્રી પાટીલ ઉપરાંત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, રાજયના સહપ્રભારી સાંસદ સુધીર ગુપ્તા વગેરે હાજર છે. ચિંતન બેઠકમાં થયેલ ચર્ચાના આધારે નકકી થયેલા કાર્યક્રમોની માહિતી પ્રદેશ કારોબારીમાં આપવામાં આવશે.
કારોબારી બેઠકમાં ચૂટણીને ધ્‍યાને રાખીને ચર્ચા તથા નિર્ણયો પર ભાર મુકવામાં આવી રહ્યો છે. પાર્ટીએ તમામ ૧૮૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્‍યો છે. તેના આધારે ચુંટણીની રણનીતિ ઘડાશે. રાજય અને કેન્‍દ્ર સરકારના વિકાસ કામો અને મહત્‍વના નિર્ણયોને બિરદાવતો ઠરાવ કારોબારીમાં કરવામાં આવશે. તા. ર જુન સુધીમાં તમામ શહેર, જિલ્લા તાલુકામાં કારોબારી બેઠક બોલાવી લેવા સૂચના અપાયેલ છે.

 

(3:21 pm IST)