Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પત્રકારો તણખલા જેવા હોય, તેઓ ચાહે તો ચિનગારીથી દિવો પ્રગટાવી શકે અને ચાહે તો આગ લગાડી શકે

ભારતમાં પત્રકારો સ્‍વતંત્ર રીતે કામ કરી શકતા નથી તેવો ઢોંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છેઃ અશોક શ્રીવાસ્‍તવજી:પત્રકારત્‍વ સમાજને અસર કરે છે, જેથી સમાજ અને રાષ્‍ટ્રના હિતને ધ્‍યાનમાં રાખી સમાચાર પીરસવા જોઈએઃ શૈલેષભાઈ પટેલ : વિશ્વ સંવાદ કેન્‍દ્ર, ગુજરાત દ્વારા પત્રકાર સન્‍માન સમારંભ

(કેતન ખત્રી), અમદાવાદઃ વિશ્વ સંવાદ કેન્‍દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્‍માન કાર્યક્રમમાં આ વર્ષે શ્રી વિશાલ પાટડીયા (પ્રિન્‍ટ મીડિયા), શ્રીમતી ગોપી ઘાંઘર  (ઈલેકટ્રોનિક મીડિયા),  શ્રી કેતન ત્રિવેદી (વેબ મીડિયા),  શ્રી રાજીવ પટેલ (રેડીયો મીડિયા), શ્રી શાયર રાવલ (ઈન્‍વેસ્‍ટીગેટીવ જર્નાલીઝમ),  શ્રી જશવંત રાવલ (વિશેષ સન્‍માન), શ્રી તરૂણભાઈ શેઠ (વિશેષ સન્‍માન)નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે કાર્યક્રમના મુખ્‍ય અતિથિ શ્રી અશોક શ્રીવાસ્‍તવજીએ  (વરિષ્‍ઠ સલાહકાર સંપાદક ડી ડી ન્‍યૂઝ પબ્‍લિક બ્રોડકાસ્‍ટર અને લેખક) કહ્યું કે પત્રકારો તણખલા જેવા હોય છે, તેઓ ચાહે તો ચિનગારીથી દીવો પ્રગટાવી શકે છે અને ચાહે તો આગ લગાડી શકે છે. ભારતમાં નેગેટિવની લડાઈ ચાલી રહી છે. ભારતમાં પત્રકારો સ્‍વતંત્ર રીતે કામ કરી શકતા નથી તેવો ઢોંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આર્થિક ઉદારીકરણ પછી સંપાદક નબળા પડ્‍યા છે, અને જાહેરાત મહત્‍વપૂર્ણ બની ગઈ છે. સોશિયલ મીડિયાના આગમન બાદ પત્રકારો અને મીડિયા હાઉસ સામે સવાલો થવા લાગ્‍યા છે.

કાર્યક્રમના અધ્‍યક્ષ શ્રી શૈલેષભાઈ પટેલે  (પ્રાંત કાર્યવાહ, રા.સ્‍વ.સંઘ, ગુજરાત) પોતાના ઉદબોધનમાં જણાવ્‍યું  કે આધ્‍યાત્‍મિકતા અને સંસ્‍કળતિ એ ભારતની ઓળખ છે. પત્રકારોએ સમાચાર બનાવતી વખતે ભારતીય દ્રષ્ટિકોણને ધ્‍યાનમાં રાખવો જોઈએ. પત્રકારત્‍વ સમાજને અસર કરે છે, તેથી સમાજ અને રાષ્‍ટ્રના હિતને ધ્‍યાનમાં રાખીને સમાચાર પીરસવા જોઈએ. સમાચાર માધ્‍યમોની સમાજ પર વિશેષ અસર છે, તેથી આ માધ્‍યમ સાથે સંકળાયેલા લોકોની વિશેષ જવાબદારી છે. શૈલેષભાઈએ કયાં કહ્યું કે નારદજીના તમામ કાર્યો સમાજના હિત ને ધ્‍યાનમાં રાખી ને જ કર્યા છે.

આ પ્રસંગે વિશ્વ સંવાદ કેન્‍દ્ર ગુજરાતના ટ્રસ્‍ટી શ્રી વિજયભાઈ ઠાકરે કાર્યક્રમની માહિતી આપી હતી. વિશ્વ સંવાદ કેન્‍દ્ર, ગુજરાતના ટ્રસ્‍ટી શ્રી પ્રદીપભાઈ જૈને કાર્યક્રમના અંતે આભાર વ્‍યક્‍ત કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં પત્રકાર મિત્રો અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન શ્રી ઉન્‍મેષ દિક્ષિત (એકઝીકયુટીવ ડાયરેકટર એએમએ) દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(2:57 pm IST)