Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિકને લઈ કહ્‍યુ - ‘‘હાર્દિકનાં જવાથી પાર્ટીને કઈ ફરક પડયો નથી''

હાર્દિકના જવાથી અમારા પાટીદાર મતને પણ નુકસાન નથી થયુ, એની પાછળ કોઇએ પણ કોંગ્રેસ છોડયુ નથી. અમારી આખી કેડર અકબંધ છે : જગદિશ ઠાકોર

વડોદરા ૨૩ : ચુંટણી આવતાની સાથે જ નેતાઓનાં નિવેદનોનો દોર શરૂ થઈ જાય છે. ત્‍યારે અમુક એવા પણ નિવેદનો હોય
છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્‍યારે આવુ જ એક નિવેદન ગેનીબેન ઠાકોર દ્વારા આપવામા આવ્‍યુ હતુ. જેનાં વિરૂધ્‍ધમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્‍યુ હતુ. તેમજ જગદિશ ઠાકોરે સાથો સાથ હાર્દિકને પણ આડે હાથ લીધો હતો.

 ચૂંટણીઓ ટાણે નેતાઓ છાશવારે મર્યાદા ભૂલીને બેફામ નિવેદનો આપે છે. આ યાદીમાં હવે ગેનીબેન ઠાકોરનું નામ પણ જોડાઈ ગયું છે. જાહેર મંચ પરથી ગેનીબેને એક એવું નિવેદન આપ્યું હતું. જેના કારણે તેમની ચારેયકોર ટીકા થઈ રહી છે. આ નિવેદન સામે ભાજપે તેનો વળતો જવાબ પણ આપ્યો છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને આ નિવેદન વિશે પુછવામાં આવ્યું હતું.


ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું ગેનીબેન ઠાકોરના વિવાદિત બોલ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગેનીબેન ઠાકોરની સ્પીચ મેં સાંભળી નથી. તેમ છતાં જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ બોલવા પર સંયમ રાખવો જોઈએ. એટલું જ નહીં, તેમણે હાર્દિક વિશે પણ એક નિવેદન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે દાવો સાથે જણાવ્યું હતું કે, હાર્દિકના જવાથી પાર્ટીને કઈ ફરક નહીં પડે. કોંગ્રેસના પાટીદાર મતને કોઈ નુકસાન થશે નહીં. હું એવું ક્યાંય નથી માનતો કે હાર્દિકના જવાથી કોંગ્રેસને નુકસાન થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મને બતાવો કે હાર્દિકના જવાથી એક પણ પાટીદાર આગેવાને કોંગ્રેસ પક્ષ છોડ્યો હોય, કોઈએ નથી છોડ્યો. અમારી આખી કેડર અકબંધ છે. 


મહત્વનું છે કે, એસ.પી.જી નેતા લાલજી પટેલના નિવેદન મામલે પણ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, તમામ સમાજોને તકલીફ છે, યુવાનો પર ભાજપે ખોટા કેસ કર્યા છે. સરકારે તમામ પ્રશ્નોનો નિકાલ કરવો જોઈએ. આ સિવાય વડોદરામાં મંદિર તોડી મૂર્તિ ખંડિત કરી ફેંકી દેવા મામલે પણ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ભાજપ માત્ર ધર્મની વાતો કરે છે, ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. ભૂતકાળમાં પણ ગાંધીનગરમાં આવી રીતે ભાજપે મંદિર તોડ્યા હતા.


ગેનીબેન ઠાકોરએ જનમેદનીને સંબોધી હતી, જેમાં તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, ચોર કોટવાલને દંડે તેવી ભાજપની વાત છે. એમની તાકાત નથી કે જીગ્નેશ, ગેનીબેન કે ગુલાબસિંહને પૈસાથી ખરીદી શકે. આ લડાઈ સરકારે જેની પર ખોટી ફરિયાદો કરી છૅ તે કેસ પાછા ખેંચવાની લડત છે. તાકાત હોય તો ગુલાબસિહ, ગેનીબેન કે જીગ્નેશ પર કેસ કરો. ઢીમામાં ચૂંટણી જીતવા કન્ટેનર ભરીને દારૂ લાવવામાં આવે. ક્યાં સુધી આ લોકો યુવાનોને બરબાદ કરવા આવા ધંધા કરશે. 

બસ, અહીંથી આગળ બોલતા ગેનીબેનને જીપ લપસી હતી. તેઓએ જાહેરમાં જનમેદની સામે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. અપશબ્દો બોલીને તેમણે કહ્યુ કે, તમારા રાજ્યમાં બહેન-દીકરીઓ સુરક્ષિત નથી. તમે અમને આગેવાન તરીકે સ્વીકાર્યા છૅ ત્યારે સમાજ સમાજ વચ્ચેના મન ભેદો દૂર થાય તેવી સ્થિતિ ઉભી કરવી છે. અમારા રાજકીય સ્વાર્થ માટે ક્યાંક અમને 2-5 વોટોનું નુકશાન થતું હોય તો થવા દેજો પણ ભાઈ ભાઈ વચ્ચે ભેદ ઉભો ના કરજો. આઝાદી માટેની લડાઈ વાવની ધરા પરથી શરુ થઇ રહી છૅ.

ત્યારે સવાલ એ થાય છે કે, શું એક ધારાસભ્યને આવું વર્તન શોભે? રાજકીય પ્રહારમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ કેમ? નેતાઓના વાણીવિલાસ પર લગામ ક્યારે લાગશે? શું મહિલા ધારાસભ્ય આવી રીતે પ્રજાની વાત કરશે? આવા વર્તન બદલ ગેનીબેન સામે કોંગ્રેસ શું પગલા ભરશે?

(11:57 pm IST)