Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વોડદરા એમ.એસ. યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્‍ટીની એમ.કોમ.ના પરિક્ષામાં વિદ્યાર્થીઓને ખોટા વિષયના પેપર આપી દેવાતા છાત્રો હેરાન થયા

ભુલ સમજાતા પરિક્ષા વિભાગ દ્વારા નવી તારીખ જાહેર કરવાની જાહેરાત કરી

રાજ્યમાં અનેક યુનિવર્સિટીમાં પરીક્ષા ટાણે જ છબરડો થયો હોય એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. પરંતુ આ વખતે વાત વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની છે. વડોદરાની MS યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. કોમર્સ ફેકલ્ટીની M.COM ની પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા ટાણે જ અટવાયા હતા. આ ઘટનામાં પરીક્ષામાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતાં વિદ્યાર્થીઓને અન્ય વિષયનું પેપર આપી દેવામાં આવ્યું હતું. આ વિશે મળતી માહિતી પ્રમાણે, શનિવારે 21 મેના રોજ વડોદરાની એમ એસ યુનિ.ની પરીક્ષામાં ગંભીર છબરડો થયો હતો. જેમાં કોમર્સ ફેકલ્ટીની M.COM ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખોટા પેપર આપી દેવાયા હતા. જેણા કારણે પેપર જોઈ વિદ્યાર્થીઓ મંઝૂવણમાં મૂકાયા હતા. ત્યારબાદ તંત્રને પોતાની ભૂલ સમજાતા યુનિ.ના પરીક્ષા વિભાગે શનિવારનું પેપર પુનઃ નવી તારીખ જાહેર કરી લેવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓની ઇન્ટરડીસિપ્લીનરી ઇલેક્ટિવ વિષયની પરીક્ષા હતી, પણ પેપર કોઈ બીજા વિષયનું આપી દેવાયું હતું.આ ઘટનામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા ટાણે સત્તાધીશોને ધ્યાન દોર્યું હતું. પછી પરીક્ષા વિભાગે ટેક્નિકલ એરરના કારણે આ ભૂલ થઇ હોવાનો ખુલાસો કર્યો હતો. હવે સોમવારે (આજે) આ વિદ્યાર્થીઓનું પેપર લેવાશે. ટેક્નિકલ ખામીના કારણે ફરીથી પરીક્ષા આપવી પડશે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા પણ એમ.એસ યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. વી.સી.ની કેબિનમાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. VCની કેબિનમાં જતા પહેલા બહાર મૂકવામાં આવેલી ટ્રે પર મોબાઈલ મૂકવાનો ફતવો જાહેર કરાયો છે.

(6:49 pm IST)