Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

અમદાવાદના સરખેજના ભારતી આશ્રમની ગાદી માટે અને પ૦ કરોડની મિલકતના વિવાદમાં રૂષિભારતી કોર્ટના શરણે

રૂષિ ભારતીબાપુએ ખોટુ વસીયતનામુ કર્યુ હોવાનો ગુરૂભાઇ હરિહરાનંદ સ્‍વામીનો આક્ષેપ

અમદાવાદ: મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલા ચાર ભારતી આશ્રમ પૈકી અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમની ગાદીને લઈને વિવાદ સામે આવ્યો હતો. અમદાવાદના સરખેજ સ્થિત આશ્રમની ગાદીને લઈને હરિહરાનંદ ભારતી અને ઋષિ ભારતી વચ્ચે ખટરાગ ઉભો થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કેટલાક લોકો હરિહરાનંદ ભારતીને ધમકાવતા હોવાને કારણે તેઓ આશ્રમ છોડીને અચાનક ગુમ થઈ ગયાં હતાં. ત્યારબાદ તેમની ભાળ નાસિક નજીકથી તેમના સેવકોને મળી હતી. આ ઘટનામાં યદુનંદન ભારતીજીએ ગુરુભાઈ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદ મામાલે ધરપકડથી બચવા ઋષિ ભારતીજી કોર્ટના શરણે પહોંચ્યા છે. ઋષિ ભારતીએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કર્યા છે. ગ્રામ્ય કોર્ટે આ મામલે તપાસ અધિકારીઓને નોટિસ ઈશ્યુ કરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે હું આશ્રમના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરું છું. હું કોઈ ગેરકાયદેસર પ્રવુતિમાં સંડોવાયેલો નથી. 

મહત્વનું છે કે, સરખેજ ભારતી બાપુના આશ્રમમાં સત્તા મામલે વિવાદ ચાલી રહ્યો છે. યદુનંદન ભારતીજીએ ગુરુભાઈ ઋષિભારતી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.


અમદાવાદના સરખેજમાં  ભારતી આશ્રમ આવેલો છે. ભારતી આશ્રમની કિંમત 50 કરોડની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંદાજે 10 વિઘામાં ભારતી આશ્રમ પથરાયેલો છે. જેમાં ભારતી આશ્રમનું વિલ પોતાના નામે બનાવ્યું હોવાનો ઋષિ ભારતી બાપુનો દાવો છે. હરિહરાનંદ સ્વામીએ ભારતી આશ્રમ પોતાના નામે કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જેણા કારણે વિવાદ વકરતા ભારતી આશ્રમની જમીનને લઈને હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે. ઋષિ ભારતી બાપુએ ખોટું વિલ ઉભું કર્યાનો હરિહરાનંદ સ્વામીએ આક્ષેપ લગાવ્યો છે. આ કેસમાં સમાધાન માટે લંબેનારાયણની 300 કરોડની જમીન માગી હોવાનો હરિહરાનંદે દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે.

(6:50 pm IST)