Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આણંદ:ભાલેજ ગામે વીજચોરી સંદર્ભે તપાસ કરવા ગયેલ ટિમ પર બે સ્થાનિક લોકોનો હુમલો

આણંદ : ભાલેજ ગામે વીજચોરી સંદર્ભે મળેલ ફરિયાદના આધારે તપાસ કરવા ગયેલ ટીમ ઉપર બે સ્થાનિકોએ હુમલો કર્યો હોવાનો બનાવ ભાલેજ પોલીસ દફતરે નોંધાયો છે. ભાલેજ પોલીસે વીજકર્મીઓની ફરિયાદના આધારે બે શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાલેજના શરીફ મહોલ્લામાં રહેતા ઈલીયાસમીંયા અહેમદમીંયા મલેક વીજ ચોરી કરતા હોવાની ફરિયાદ આણંદ રૂરલ વીજ ડિવિઝનના જુ.ઈજનેરને મળી હતી. જેથી ગતરોજ સવારના સુમારે જુ.ઈજનેર ટીમ સાથે ભાલેજના શરીફ મહોલ્લા ખાતે પહોંચ્યા હતા અને ઈલીયાસમીંયાના ઘરમાં બહારથી જોતા વીજ વપરાશ ચાલુ હોવાનું માલુમ પડયું હતું. જો કે વીજ મીટરમાં વીજભાર શૂન્ય દર્શાવતું હતું અને મીટર રીડીંગ આગળ વધતુ ન હોઈ વીજ ચેકિંગ  માટે ગયેલ ટીમ દ્વારા તેઓને દરવાજો ખોલવા જણાવતા ઈલીયાસમીંયાએ બિભત્સ અપશબ્દો બોલી ઘરની મહિલાઓને આગળ કરી વીજ કંપનીની ટીમ વિરૂધ્ધ ફરિયાદ કરવા ધમકી આપી હતી. દરમ્યાન ઈલીયાસમીંયા ઘરના પાછળના ભાગે જઈને ઉપરના માળે એસીનું બાહ્ય યુનિટ છુટું કરવાની પેરવી કરતા હતા. આ સમયે વિડીયો ઉતારી રહેલ એક વીજકર્મી પાસે બ્લેક કલરના ટી-શર્ટ પહેરેલ એક શખ્શ આવી પહોંચ્યો હતો અને વિડીયો ડીલીટ કરવા માટે જણાવ્યું હતું. આ સમયે ઈલ્યાસમીંયાએ પણ મારો મારોની બુમ સાથે પ્લાસ્ટીકની ખુરશીઓ વીજ કંપનીની ટીમ ઉપર ફેંકી હતી. આ અંગે વીજ કર્મીઓની ટીમે ભાલેજ સબ ડીવીઝનના નાયબ ઈજનેરને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વીજકર્મીની ફરિયાદના આધારે ઈલીયાસમીંયા સહિત બે શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:14 pm IST)