Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વડોદરા:હાલોલમાં કાચ સ્ક્રેપના ગોડાઉનમાંથી પોલીસે છાપો મારી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા

વડોદરા: પંચમહાલ જિલ્લા એલ.સી.બી.એ હાલોલ ખાતે આનંદપુરામાં આવેલ કાચ સ્ક્રેપના ગોડાઉનમાં છાપો મારી વિપુલ માત્રામાં વિદેશી દારૂના જથ્થા ભરેલા કન્ટેનર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી બે કુખ્યાત બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે અને કામગીરી સામે સવાલો ઉઠયા છે. ગોડાઉન માલિકે પરપ્રાંતીય યુવકને ગોડાઉન ભાડે આપ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતાં પોલીસે ગોડાઉન માલિકની પણ અટકાયત કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લા એલ.સી.બી.એ હાલોલ આનંદપુરા કાચના ગોડાઉન ખાતે દરોડો પાડી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. દારૂની કટીંગ વેળાએ જ  ત્રાટકેલી જિલ્લા એલ.સી.બી. પોલીસની ટીમને સફળતા સાંપડી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઈશ્વર સિસોદિયાની ટીમે કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની અંદાજે 837 દારૂની પેટીઓ અને કન્ટેનર સહિત 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન કન્ટેનર ચાલક,  ક્લીનર અને બુટલેગરનો મળતીયો તથા સ્થાનિક રહેવાસીની દારૂના ગુનામાં અટકાયત કરી હતી. આ ગોડાઉન હાલના સ્થાનિક રહીશે પરપ્રાંતિય યુવકને ભાડે આપ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. જેથી પોલીસે ગોડાઉન માલિકની પણ અટકાયત કરી ભાડા કરાર બાબતે પૂછતાંછ શરૂ કરી છે. હાલોલના કોટામઈડા ખાતે રહેતા નામચીન બુટલેગર  મોહોબતસિંગ અને ઘોઘંબાના દુધાપુરા ખાતે રહેતા બુટલેગર દિલીપ પરમારના પુત્ર અતુલ પરમારે ગોવાથી આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, અગાઉ બુટલેગર મોહોબતસિંગના ગામેથી પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો. ત્યારબાદ પાસા હેઠળ પોલીસે બુટલેગરની અટકાયત કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ બુટલેગર ફરીથી દારૂના ધંધામાં સક્રિય થયો હતો અને નેટવર્ક વિસ્તાર્યું હતું.E

(7:16 pm IST)