Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મહેસાણા જિલ્લાનું અનોખું મંદિર:લોકો વિઝા મેળવવા રાખે છે માનતા : ગામનો ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં

માનતા પૂર્ણ થયા બાદ હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે, જ્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે.

મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરને લઇને શ્રદ્ધાળુંઓમાં અનેરી આસ્થા છે. એવું કહેવામાં આવે છે કે, અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો તે ફળે છે. આ આસ્થાના કારણેજ ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની માનતા રાખે છે.

મહેસાણાથી 40 કિલોમીટર દૂર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસ્તી ધરાવે છે. જેમાં ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. આ દાંલા માતાજીના મંદિરે દુર દુરથી લોકો વિઝા મેળવવાની માનતા રાખવા અને પૂરી કરવા આવે છે. આ ઉપરાંત આ મંદિર કોમી એખલાસનું પરફેક્ટ પ્રતિક છે. અહિંયા હિંદુ મંદિરમાં મુસ્લિમ દેવીની પૂજા થાય છે. ગામમાં એક પણ મુસ્લિમ પરિવારનું ઘર નથી, પરંતુ આ ગામમાં મુસ્લિમ દેવીની સ્થાપના વર્ષો પહેલા થઈ હોવાની લોક વાયકા છે. મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર 800 વર્ષથી દેવી તરીકે પૂજાય છે અને આ મંદિર હિન્દૂ મુસ્લિમના અસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં આવતા હિન્દૂ અને મુસ્લિમ સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે, જ્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે.

મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 7 હજાર જેટલી વસ્તી છે, જેમાં 3 હજારથી વધુ લોકો અમેરિકામાં વસવાટ કરે છે. આ મંદિરમાં 70થી 80 ટકા લોકો પોતાના વિઝાની માનતા લઈને આવતા હોય છે. શ્રદ્ધાળુઓના 90 ટકા કામ થઈ જાય છે. ગુજરાત નહીં, પરંતુ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના લોકો પણ વિઝાની બાધા રાખવા આવતા હોય છે.

ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે, સુનિતા વિલિયમ્સ ઘણી વાર આ ગામમાં મંદિરના દર્શન કરવા આવી ચૂકી છે. સુનીતા વિલિયમ્સ જ્યારે પોતાની અંતરિક્ષયાન યાત્રા પર હતી, એ દરમિયાન યાનમાં ખામી સર્જાઈ હતી. એ દરમિયાન ઝુલાસણના લોકોએ ભેગા મળીને આ મંદિરે સુનિતા વિલિયમ્સ માટે અખંડ જ્યોત અને ધૂન બોલાવી હતી. ત્યારબાદ સુનિતા વિલિયમ્સ સફળતા પૂર્વક પોતાના યાન સહિત ધરતી પર આવી હતી અને ત્યારબાદ ઝુલાસણ ખાતે દાંલા માતાના દર્શન કરવા પહોંચી હતી.

800 વર્ષ અગાઉ ઝુલાસણ ગામમાં હાલ જ્યાં મંદિર છે, એ સ્થળ એક માટીનું યંત્ર નીકળ્યું હતું. ત્યારબાદ ગામ લોકો આ યંત્રને દેવી તરીકે પૂજા કરતા આવ્યા છે. જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમના કામ પુરા થતા ગયા અને લોકોમાં વધુ આસ્થા જાગી. આ મંદિરમાં લોક વાયકા મુજબ મુસ્લિમ દેવી પૂજાય છે અને મંદિરમાં હિન્દૂ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવે છે.

લોક વાયકા મુજબ પહેલાના જમાનામાં ગામમાં લૂંટારૂઓ આવતા હતા અને ગામને લૂંટીને જતા રહેતા હતા. ત્યારે પાડોશના ગામમાંથી પસાર થતા એક મુસ્લિમ મહિલાએ જોયું કે, ઝુલાસણ ગામમાં લૂંટ મચી છે. તેઓ ત્યાં જ રોકાઈ ગયાને લૂંટારુઓ સામે બાથ ભીડી અને લડતા-લડતા મૃત્યુ પામ્યા. આજે જ્યાં મંદિર છે ત્યાં જ તેમનું મોત થયું હતું. તેના ઘણા વર્ષો બાદ તેમના નામ પર મંદિર બન્યું

(7:28 pm IST)