Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

વાપીના છીરી ગામે ત્રીજા માળેથી 8 વર્ષિય બાળક બાલકનીમાંથી નીચે પટકાતા મોત

દંપતીના એકમાત્ર સંતાનના આકસ્મિક અવસાનથી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો

વલસાડ જિલ્લાના વાપીના છીરી ગામે વલ્લભનગરના એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી 8 વર્ષિય બાળક બાલકનીમાંથી નીચે પટકાયું હતું. બાળક નીચે પડતાજ જ ઘટના સ્થળે તેનું મોત નિપજયુ હતું. બાળક નીચે પડ્યાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. આ ઘટના બનતા સોસાયટીમાં ભગદોડ મચી ગઇ હતી.

છીરી ગામે વલ્લભનગરમાં આવેલા વલ્લભનગરના એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી ભાડેથી રહેતા પરપ્રાંતીય પરિવારનો 8 વર્ષનો પુત્ર બલવીર વિશ્વકર્મા સાંજે ગેલેરીમાં રમી રહ્યો હતો અને માતા રસોઈ બનાવી રહી હતી, ત્યારે અચાનક અકસ્માતે બલવીર ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. આ સમયે બાળકનો અવાજ આવતા માતા રસોડામાંથી ગેલેરીમાં જોવા ગઈ હતી. આ સમયે તેણીએ પોતાનો પુત્ર જ નીચે પટકાયો હોવાનું જોતા તુરંત નીચે પહોંચી એપાર્ટમેન્ટના રહીશોની સહાયથી ઈજાગ્રસ્ત પુત્રને લઈને વાપીની હરિયા હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક બલવીર વિશ્વકર્મા આ દંપતીનું એકમાત્ર સંતાન હતું. તેના આકસ્મિક અવસાનથી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો. જોકે આ ઘટના અંગે ડુંગરા પોલીસ મથકે કોઈ ફરિયાદ કે અકસ્માત મોત નોંધાયું ન હોવાનું પોલીસ જણાવી રહી છે.

(12:27 am IST)