Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અઠવાડિયામાં ત્રણ ગણી વાવણી વધી : કુલ ૬,૮૯,૪૭૨ હેકટરમાં

મગફળીનું વાવેતર ૨,૬૦,૨૨૦ અને કપાસ ૨,૬૫,૨૧૭ હેકટરમાં : બધા પાસેનું મળીને ૮.૬ ટકા વાવેતર

રાજકોટ તા. ૨૩ : ગુજરાતમાં મેઘરાજાની મહેર થતાં ખેડૂતો સારા વરસની આશાએ વાવણીમાં વ્યસ્ત બન્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઇ જતા વાવણી પુરજોશમાં ચાલી રહી છે. તા. ૧૪ જુનની સરખામણીએ ૨૧ જૂન સાંજ સુધીમાં વાવેતર ત્રણ ગણુ થઇ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઇ ગઇ છે. કપાસ અને મગફળીનું વાવેતર સૌથી વધુ થયું છે. વાવણી કાર્ય ચાલુ જ છે. સરકારી આંકડાઓ મુજબ તા. ૧૪ જૂન સુધીમાં રાજ્યમાં ૨,૧૮,૫૫૪ હેકટરમાં વાવેતર થયેલ. તે કુલ વાવેતર વિસ્તારના ૨ થી ૩ ટકા જેટલું હતું. છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થતાં વાવેતર વધીને તા. ૨૧ જૂન સુધીમાં ૬,૮૯,૪૭૨ હેકટરમાં થઇ ગયું છે. જો કે ગયા વર્ષની ૨૧ જૂને ૧૩,૯૪,૨૦૨ હેકટરમાં વાવેતર થઇ ગયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં નોર્મલ વાવેતર વિસ્તારની સરખામણીએ મગફળીનું ૧૫ ટકા અને કપાસનું ૧૩.૭૯ ટકા વાવેતર થયું છે. જુવારનું ૧.૭૯ ટકા અને તુવેરનું ૧.૭૧ ટકા વાવેતર થયું છે. હજુ ચોમાસાની મોસમનો પ્રારંભ છે. વાદળછાયુ વાતાવરણ છે. કેટલાય વિસ્તારો વાવણી લાયક વરસાદની રાહમાં છે.

કયાં પાકનું કેટલું વાવેતર (ટકા)

જુવાર

૧.૧૯

તુવેર

૧.૭૧

મગફળી

૧૫.૩૫

સોયાબીન

૦૩.૨૬

કપાસ

૧૩.૭૯

શાકભાજી

૦૮.૪૪

મકાઇ

૦૧.૧૯

ઘાસ

૦૨.૯૮

(11:37 am IST)