Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ તમામ રાજકીય અટકળોનો અંતઃ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને મળ્યો વેગ

વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહત્વકાંક્ષી પ્રોજેકટ પૂર્ણ કરવા આપવામાં આવી ડેડલાઈન

અમદાવાદ, તા.૨૩: ગુજરાત પ્રદેશ ભાજપનું રાજકારણ ગરમાયુ હતું તેવા સમયે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીનો આ પ્રવાસ આમતો પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કર્યોની સમીક્ષા કરવાનો હતો.પરંતુ સાથે સાથે સરકાર અને સંગઠના તાલમેલને યોગ્ય રીતે બેસાડવાનો પણ હતો. અમિત શાહે પહેલા દિવસે પોતાના મત વિસ્તરમાં આવેલા જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું તો સાથે જ   કોરોના રસીકરણ અભિયાનને ગતિ આપવા રસી કેન્દ્રોની પણ મુલાકાત લીધી હતી.

ગાંધીનગર લોકસભાના સાંસદ હોવાને કારણે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી લોકસભાના જુદા જુદા વિસ્તારના જુદા જુદા વિકાસ કર્યો અંગે સમીક્ષા કરી હતી. તો બીજા દિવસે પોતાની લોકસભામાં આવતી તમામ વિધાનસભામાં વર્ચ્યુલી વૃક્ષારોપણ કરી ગાંધીનગર લોકસભા ગ્રીન લોકસભા તરીકે નિર્માણ કરવા કાર્યકરોને આહવાન કર્યું હતું.

ત્યાર બાદ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર લોકસભામાં આવતા તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં નારણપુરા, સાબરમતી, ઘટલોડીયા, વેજલપુર અને સાણંદના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા વિકાસ કર્યો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં પણ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ દ્વારા વિધાનસભા મત વિસ્તારના લોકો આંગળીના ટેરવે પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી શકે તે માટે તૈયાર કરવામાં આવેલી મોબાઈલ એપનું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું હતું.

તો સાથે જ અન્ય ધારાસભ્યોને પણ આ પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોના પ્રશ્નોનું સમાધાન લાવવા માટે સૂચન કર્યું હતું. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિઝ પ્રોજેકટ અંગે પણ ધારાસભ્યો દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રીની અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મેરેથોન બેઠક ચાલી હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા પણ એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જે પ્રેઝન્ટેશનમાં પ્રદેશ ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેબ્લેટ પ્રોજેકટ અને પેજ પ્રમુખની માહિતી આપવામાં આવી હતી.

તો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને સરકારના ટોચના અધિકારીઓ સાથે જુદા જુદા મહત્વકાંક્ષી પ્રોજેકટની સમીક્ષા કરવામા આવી હતી. જેમાં ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેટક, અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેકટ, સાયન્સ સિટી રોબોટિક ગેલેરી-એકવેરિયમ પ્રોજેકટ, ગાંધીનગર રેલ્વે સ્ટેશન હોટેલ પ્રોજેકટ સહિતના અલગ અલગ પ્રોજેકટ અંગે પ્રેઝન્ટેશન અને ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીના આ બે દિવસના પ્રવાસ બાદ ગુજરાતમાં ચાલતી તમામ રાજકીય અટકળો શાંત પડી છે. તો સાથે જ વર્ષે ૨૦૨૨ની ચૂંટણી આવે તે પહેલાં પ્રધાનમંત્રીના ડ્રિમ પ્રોજેકટ પૂર્ણ થાય અને ચૂંટણી પહેલા તેનું લોકાર્પણ થાય તે પ્રકારની ડેડલાઇન પણ અધિકારીઓને આપવામાં આવી.

(3:21 pm IST)