Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ફોન સેક્‍સ-ન્‍યુડ કોલની જાળમાં ફસાતાં નહિઃ ગુજરાત પોલીસે સલાહ સાથે લોકોને ચેતવ્‍યા

નેતાઓ, વેપારીઓ, નોકરીયાતો અને ગૃહસ્‍થોને ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી ફસાવાય છે : અમદાવાદ સાયબર ક્રાઇમને છ મહિનામાં ૫૦૦ ફરિયાદો મળીઃ રાજકોટ સાયબર ક્રાઇમમાં પણ આવી ફરિયાદો મળી છેઃ બ્‍લેકમેઇલનો નવો ટ્રેન્‍ડઃ ભોગ બનનારા ગભરાય નહિ, તુરંત સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરે : વધી રહેલા આવા કિસ્‍સાઓને કારણે સીઆઇડી ક્રાઇમ સાયબર સેલે એડવાઇઝરી જાહેર કરવી પડી

અમદાવાદ તા. ૨૩ : જો સોશિયલ મીડિયા પર તમને કોઇ સુંદર ચહેરા ધરાવતી પ્રોફાઇલ પરથી ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ આવે છે તો તેને એક્‍સેપ્‍ટ કરતા પહેલા એક વખત વિચારી લેજો. સેફ ડિસ્‍ટેંસિંગના આ સમયમાં ઓનલાઇન ઇસ્‍ટિમેસી ઓફર કરનારા વ્‍યક્‍તિ તમને સાઇબર બળજબરી વસૂલીની જાળમાં ફસાવી શકે છે. ગુજરાતમાં સરકારી અધિકારીથી લઇને બિઝનેસમેન, નેતાથી લઇને પ્રાઇવેટ ફર્મ કર્મચારી કેટલાક ફોન સેક્‍સ અને ન્‍યૂડ કોલના વિક્‍ટિમ થઇ ચુક્‍યા છે.

વધતા કેસને કારણે સીઆઇડીના સાઇબર ક્રાઇમ સેલે એડવાઇઝરી જાહેર કરવી પડી છે કે ફેસબુક પર સુંદર ચહેરા તરફથી આવી રહેલી ફ્રેન્‍ડ રિકવેસ્‍ટને લઇને એલર્ટ રહો. તાજેતરમાં એક સરકારી અધિકારીનો કેસ સામે આવ્‍યો હતો. ગુજરાત સીઆઇડીના સીનિયર અધિકારીએ જણાવ્‍યુ, ‘તેમણે ફેસબુક પર ૬ જૂને એક અજાણી મહિલા તરફથી રિકવેસ્‍ટ આવી હતી. તે ફ્રેન્‍ડ બની ગયા અને પછી મહિલાએ તેમણે ફોન સેક્‍સની ઓફર કરી હતી. તે બાદ મહિલાએ પીડિત પાસેથી ૫ લાખ રૂપિયાની માંગ કરી હતી.'

મોટાભાગના કોલ આવે છે બંગાળ-રાજસ્‍થાનથી

સરકારી અધિકારીએ સાઇબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો જેમણે આ મામલે તપાસ કરી હતી અને એક સ્‍પષ્ટ મેસેજ આપ્‍યો કે કોઇ પણ પૈસા આપવામાં નહી આવે. તે બાદ મહિલાનો ફોન નંબર બ્‍લોક કરી દેવામાં આવ્‍યો. સરકારી અધિકારીએ આ મામલે સાર્વજનિક થવાના ડરથી ફરિયાદ દાખલ કરાવી નહતી. આ સિવાય બે અન્‍ય સરકારી અધિકારીઓને પણ આ રીતે નિશાન બનાવવામાં આવ્‍યા હતા. સાઇબર ક્રાઇમ પોલીસ અધિકારીએ જણાવ્‍યુ કે મોટાભાગના કોલ પヘમિ બંગાળથી આવ્‍યા હતા જયારે કેટલાક કોલ રાજસ્‍થાનના ભરતપુરથી આવ્‍યા હતા.

માત્ર અમદાવાદમાં, સાઇબર ક્રાઇમ સેલને ૬ મહિનામાં ૫૦૦થી વધુ ફરિયાદ મળી છે. એક અધિકારીએ જણાવ્‍યુ, વધતા કેસને જોતા ગત અઠવાડિયે એડવાઇઝરી જાહેર કરવામાં આવી અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન અને સાઇબર રેંજ પોલીસ સ્‍ટેશનમાં ફોરવર્ડ કરવામાં આવી. એડવાઇઝરીમાં કહેવામાં આવ્‍યુ, આ લોકોને બ્‍લેકમેલ કરવાનો નવો ટ્રેડ બની ગયો છે. જો કોઇ અજાણ્‍યા વ્‍યક્‍તિ અથવા મહિલા આ રીતના વીડિયો કોલ બાદ પૈસાની માંગ કરે છે તો તુરંત નજીકના સાઇબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરો. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને પણ આવી અરજીઓ - ફરિયાદો મળી છે.

પોલીસે કહ્યુ કે લોકોએ પોલીસ સંપર્ક કરવો જોઇએ જેથી આ રીતના રેકેટને રોકી શકાય. એક પોલીસ અધિકારીએ જણાવ્‍યુ, છેલ્લા ૬થી ૮ મહિનામાં આ રીતના કેસ વધ્‍યા છે. ખાસ કરીને લોકો પોલીસનો સંપર્ક કરવામાં ડરે છે. લોકોએ સમજવુ જોઇએ કે જો તે એક વખત પૈસા આપશે તો બ્‍લેકમેલર વધુ ડિમાન્‍ડ કરશે. આ રીતના કેસમાં પોલીસ આઇપીસીની કલમ ૫૦૦ સાથે માનહાનિ અને આઇટી એક્‍ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે.

 

(3:53 pm IST)