Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજયમંત્રી પરસોતમભાઇ સોલંકીના આકરા નિવેદન બાદ માછીમારોને થયેલ નુકશાનીનો રી-સર્વે કરવાનો નિર્ણય

માછીમારોને ૧૦પ કરોડની જાહેરાત બાદ હજુ સુધી ફદીયુયે ન મળ્‍યું હોય અને નુકશાની વધુ હોય યોગ્‍ય કરવાની માંગણી અને રાજીનામાની ધમકી બાદ રી-સર્વેનો આજે કેબીનેટની બેઠકમાં નિર્ણય કરાયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૩: સચિવાલયમાં મોટા ભાગે ગેરહાજર રહેતા મત્‍સ્‍યોદ્યોગ વિભાગના રાજયમંત્રી પરસોતમભાઇ સોલંકીએ ગઇકાલે ભાજપનીજ સરકાર સામે જ  વિરોધ દર્શાવતા વિધાનો કરી કહ્યું હતું કે ‘‘સમાજનાં અને માછીમારોના કામ નહિં થાય તો હું રાજીનામું આપી દઇશ'' આવા વિધાનો કરતા ગાંધીનગરમાં રાજકીય ગરમાવો છવાઇ ગયો હતો. જો કે સોલંકીના આ વિધાનો બાદ આજે કેબીનેટની બેઠકમાં જાફરાબાદ સહિત ત્‍યાંના બંદર વિસ્‍તારમાં રી-સર્વેની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

આ અંગે મળતી માહીતી મુજબ તાજેતરનાં વાવાઝોડા દરમિયાન સૌરાષ્‍ટ્રના દરિયા કિનારા માછીમારોને ભારે નુકશાની સહન કરવી પડી છે જેમાં માછીમારોને ૧૦પ કરોડની સહાયના પેકેજની પખવાડીયા પહેલા જાહેરાત કરવામાં આવી હતી. જે અંગે પરશોતમભાઇ સોલંકીએ ભાજપ સરકાર સામે નહોર ભરાવી કહ્યું હતું કે, સરકારમાં માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે કોઇને કંઇ મળતું નથી.

આ અંગે તેમણે મંત્રી જવાહરભાઇ ચાવડાને પણ વાત કરી છે.

આ ઉપરાંત તેમણે મુખ્‍યમંત્રીને પણ સહાય માટે અને નુકશાનીનું યોગ્‍ય વળતર માટે રજુઆત કરી હતી. પરંતુ ગઇકાલે પરશોતમભાઇ સોલંકીએ કુકરી ગાંડી કરતા આજે મળેલી કેબીનેટની બેઠકમાં બંદર કાંઠાનાં વિસ્‍તારોમાં રી-સર્વે કરવાનું નકિક થતા હાલ તો ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનું રાજકીય પંડિતો ચર્ચી રહ્યા છે.

જો કે પરશોતમભાઇનું આવું સુચક નિવેદન આગામી દિવસોમાં થનારા પ્રધાન મંડળનાં વિસ્‍તરણ અંગે હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

(4:34 pm IST)