Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અષાઢી બીજની અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા પહેલા કાલે જળયાત્રા માટે મંદિરમાં તૈયારીનો ધમધમાટઃ એક ગજરાજ સાથે 50 લોકો જોડાશે

અમદાવાદ: ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે. 108 કળશ મૂકવા માટેના સ્ટેન્ડને શણગારવાની કામગીરી મંદિર પરિસરમાં શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ જળયાત્રા નીકળશે. જેમાં માત્ર કળશ, 5 ધ્વજ પતાકા  સાથે 1 ગજરાજનો સમાવેશ જળયાત્રામાં કરવામાં આવશે. આવતીકાલે 24 જૂનના દિવસે જળયાત્રા નીકળશે.

50 લોકોની હાજરીમાં જળયાત્રા નીકળશે

મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજે કહ્યું કે, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જળયાત્રા નીકળશે. 50 લોકોની હાજરીમાં જળયાત્રા યોજાશે. જળયાત્રામાં મર્યાદિત ગજરાજ, મર્યાદિત ધ્વજા રહેશે. મર્યાદિત લોકો સાથે ગંગા પૂજન કરી મંદિરે જળાભિષેક થશે. ત્યાર બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ હાજર રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, રથયાત્રાના આયોજન અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

18 ને બદલે એક ગજરાજ વિધિમાં રહેશે

જળયાત્રામાં પરંપરા છે તે મુજબ 18 ગજરાજને મંદિરમાં રાખવામાં આવશે અને જે સ્ટેન્ડ તૈયાર થઈ રહ્યા છે તેના પર 108 કળશ મુકવામાં આવશે. જળયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે જળયાત્રાની પૂજામાં ભૂદરના આરે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગુહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે.

જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે જશે 

રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે. પહેલાં જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા યોજાતી હોય છે. જેમાં ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાન પર અભિષેક કરાય છે. આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે.

(5:10 pm IST)