Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગાંધીનગરમાં ઓનલાઇન એપ્લિકેશન મારફતે છેતરપિંડી આચરનાર ઠગને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

ગાંધીનગર : હાલમાં ઓનલાઈન એપ્લીકેશન મારફતે સાયબર ગઠીયાઓની છેતરપીંડી વધી છે ત્યારે હવે આર્મી જવાનની ઓળખ આપીને ટીફીન સર્વિસના સંચાલકો સાથે પણ છેતરપીંડીની ઘટના વધી છે. વાવોલમાં ટીફીન સર્વિસના સંચાલકને આર્મીના નામે ૪૦ ટીફીનનો ઓર્ડર આપી ખાતામાં રૃપિયા ટ્રાન્સફર કરવાના બહાને સંચાલકના ખાતામાંથી રર હજાર રૃપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જે મામલે સાયબર ક્રાઈમમાં ફરીયાદ થતાં પોલીસે તપાસ આરંભી છે.  

હાલમાં ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ સતત વધી રહી છે અને ગઠીયાઓ નવી નવી મોડશ ઓપરેન્ડીથી લોકોને છેતરી રહયા છે ત્યારે હવે આર્મી જવાનોના નામે ટીફીન સર્વિસના સંચાલકો સાથે છેતરપીંડીની ઘટના પ્રકાશમાં આવી છે. ગઠીયાઓ દ્વારા વોટસએપ ડીપી ઉપર ભારતના ઝંડાનો કે આર્મી જવાનનો ફોટો રાખીને ટીફીન સર્વિસના સંચાલકને ફોન કરી આર્મી જવાનો માટે ટીફીનની જરૃર હોવાનું કહીને ભાવતાલ નક્કી કરે છે અને ત્યારબાદ ટીફીનના સંચાલકોને રોકડ નહીં પરંતુ ઓનલાઈન રૃપિયા ટ્રાન્સફર કરવાની વાત કરીને તેમના ખાતામાંથી કયુઆર કોડ મારફતે રૃપિયા ઉપાડે છે. વાવોલમાં રહેતા અને ટીફીન સર્વિસનું કામ કરતાં વેપારીને સાયબર ગઠીયાનો ભેટો થઈ ગયો હતો. એક શખ્સે ફોન કરીને પોતે આર્મી જવાન હોવાનું કહયું હતું અને કોબા સર્કલ પાસે તેમની બટાલીયન ઉતરી હોવાથી ૪૦ જેટલા જવાનો માટે ટીફીનની જરૃર હોવાનું કહયું હતું અને પ્રતિ ટીફીન ૧પ૦ રૃપિયાની લાલચ પણ આપી હતી. ત્યારબાદ વેપારીને રોકડની જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહયું હતું અને ગઠીયાએ દસ રૃપિયા ટ્રાયલ માટે તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ કયુઆર કોડ મોકલ્યો હતો જે વેપારીએ સ્કેન કરતાં તેમના ખાતામાંથી રર હજાર રૃપિયા ઉપડી ગયા હતા. ત્યારબાદ નંબરનો સંપર્ક થઈ શકયો નહોતો. જેથી વેપારીને છેતરાયાનો અહેસાસ થતાં તેણે સાયબર ક્રાઈમમાં ફરીયાદ કરી છે. હાલ નવી નવી મોેડશ ઓપરેન્ડીથી સાયબર ગઠીયાઓ આવી છેતરપીંડી આચરી રહયા છે ત્યારે પ્રકારે ફોન કરીને વસ્તુ વેચતા કે અન્ય લોભામણી લાલચ આપતાં ગઠીયાઓથી ચેતી જવાની જરૃર છે. 

(5:17 pm IST)