Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

નડિયાદમાં ભરબપોરે ટ્રક-ઇકો કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મહિલા સહીત ત્રણના મોત

નડિયાદ: શહેરમાં ભરબપોરે એક્સપ્રેસ હાઈવે પર કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. તાલુકાના અરેરા ગામ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર નિયમભંગ કરીને ઊભેલા ટ્રક સાથે ઈકોગાડીની ટક્કર એક મહિલા અને બે કિશોરીઓ માટે જીવલેણ નીવડી હતી. ગાડીમાં બેઠેલી મા-દીકરી ને ભત્રીજીનાં મૃત્યુ નિપજયા હતા. જ્યારે પાંચ અને દસ વર્ષનાં બે બાળકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પરિવારના અન્ય વ્યક્તિઓ પણ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી પરિવાર પર આભ ત્રાટકી પડયું હતું. થોડા સમય પહેલાં માતા ગુમાવનાર ૧૭ વર્ષની કિશોરી પણ અકસ્માતમાં માતા પાસે પરલોક પહોંચી છે.

મળતી વિગતો અનુસાર અકસ્માતમાં ભોગ બનેલા લોકો એક સોની પરિવારના છે. સોની પરિવાર હાલ નડિયાદ તાલુકાના મહોળેલ ખાતે વસવાટ કરે છે અને મૂળ તખતગઢ સુંદરપુરા રાજસ્થાનના વતની છે. મહોળેલ ગામમાં  છેલ્લાં ૧૩-૧૪ વરસથી પરિવારની સોનીની દુકાન ચલાવતો હોવાનું જાણવા મળે છે. ગત તા.૧૫ જૂનના રોજ હરીશભાઈ સોનીના નાના પુત્ર યશની બાબરીની બાધા પુરી કરવા માટે પરિવાર રાજસ્થાન પોતાને વતન ગયો હતો. ત્યાંથી પરત આવવામાં હરીશભાઇ સોની સાથે તેમનાં પત્ની ટીશાબેન સોની, દસ વર્ષની પુત્રી લાક્ષી, પાંચ વર્ષનો પુત્ર યશ, ૧૫ વર્ષની પુત્રી જીકીશા, ૭૫ વર્ષનાં માતા મીરાબેન કેસરીમલજી સોની સાથે હતાં. ઉપરાંત હરીશભાઈના મોટા ભાઈ નારણભાઈની ૧૭ વર્ષની પુત્રી નૈયનાબેન ઉર્ફે નેહા અને ૧૫ વર્ષનો પુત્ર જીગર પણ હરીશભાઈના સાથે હતા.

(5:18 pm IST)