Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઇઓ તરીકે ચાર્જ સંભાળતા જામનગર કલેકટર રવિશંકર

કચેરીના કર્મચારીઓ એ કર્યુ ઉષ્માભર્યુ સ્વાગતઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોને પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવા માટે અગ્રતા આપવી પડશે

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: જામનગર કલેકટર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવનાર રવિ શંકરની રાજય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SOUADTGA) નાં મુખ્ય કારોબારી અધિકારી (CEO) તરીકે બદલી સાથે નિમણુંક થતા રવિશંકરે 23/06/2021 ના રોજ પદભાર સંભાળ્યો છે. રવિશંકરનું કચેરી ખાતે આગમન થતા ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

વર્ષ 2007 માં ભારતીય સનદી સેવામાં સીધી ભરતીથી પસંદગી પામીને થરાદ, બનાસકાંઠા ખાતે મદદનીશ કલેકટર તરીકે જોડાઈને પોતાની કારકિર્દીનો પ્રારંભ કરનાર રવિશંકરે જિલ્લા વિકાસ અધિકારી પાટણ, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ, જિલ્લા કલેકટર ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશ્નર જૂનાગઢ મહાનગરપાલિકા, કમિશનર આદિજાતી વિકાસ અને જિલ્લા કલેકટર જામનગર તરીકે ફરજ બજાવી છે.

SOUADTGAનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે વિધિવત પદભાર સંભાળ્યા બાદ રવિશંકરે જણાવ્યું હતું કે, સરકારે આ વિસ્તારનાં સંકલિત વિકાસની સાથે પ્રવાસનને વેગ આપીને સ્થાનિક પ્રજાનાં આર્થિક અને સામાજિક સ્તરને ઉંચા લાવવા માટે SOUADTGAની સ્થાપનાં કરી છે,આ થકી સરકારનાં આ ઉદ્દેશ્યને સાકાર કરવા ટીમ યુનિટી વિવિધતામાં એકતાનાં સૂત્રને સાર્થક કરશે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે પી.એમ મોદીએ કેવડિયાની દેશની પ્રથમ ઇલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાની જાહેરાત કરી છે. એ દિશામાં કામ પણ આગળ વધી રહ્યુ છે. સાથે સાથે પ્રવાસનને વેગ મળે એ માટે નવા પ્રોજેક્ટોનું કામ પણ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓ એ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. કામગીરી દરમિયાન સ્થાનિક આદિવાસીઓ અને નર્મદા નિગમ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. કેવડીયાનો મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બન્યો છે ત્યારે વિકાસના કામની સાથે સાથે 6 ગામના આદિવાસીઓની જમીનનો પ્રશ્ન હલ કરવો નવા સી.ઈ.ઓ રવિ શંકર માટે પડકાર રૂપ સાબિત થઈ પડશે.

(8:31 pm IST)