Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગુજરાતના ૮૮ તાલુકાઓ પર મેઘરાજા મહેરબાન સંતોષકારક વરસાદથી લોકો ‘જગતનો તાત’ ખુશ ખુશાલ

વડોદરાના ડભોઇમાં સૌથી વધુ વરસાદ નોંધાયોઃ હજુ ચાર-પાંચ દિવસ વધુ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વડોદરાના ડભોઈમાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

હાલમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં અને એને અડીને આવેલા વિસ્તારમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેને પગલે સુરત, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 4-5 દિવસ અમદાવાદમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ માત્ર વરસાદી ઝાપટાં પડયાં હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ અને નવસારીમાં આગામી ચાર દિવસ અને સુરત જિલ્લામાં આગામી બે દિવસ વરસાદ પડી શકે છે.

રાજકોટમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાઈ ગયાની સમસ્યાઓ જોવા મળી હતી. તો બીજી બાજુ નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે ગતરોજ રાવકી નદીમાં એક કાર તણાઈ હતી જેમાં એકનું મોત થયું હતું અને બે મહિલાઓને લોકોએ રેસ્ક્યુ કરી બચાવી હતી.

(8:32 pm IST)