Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

શિક્ષણ લોન લેનારાની સંખ્‍યા ૧ વર્ષમાં ૪૫% ઘટી

અમેરિકા-કેનેડા-ઓસ્‍ટ્રેલીયા સહિતના દેશોમાં વીઝા ન મળવા, વિલંબ અને અભ્‍યાસ મોંઘો થયો તે મુખ્‍ય કારણ : ૨૦૨૦-૨૧માં લોન અરજી થઇ'તી ૨૯૩૩૫ તો ૨૦૨૧-૨૨માં પહોંચી ૧૬૨૭૫: કોરોનાએ પણ ભૂમિકા ભજવી

અમદાવાદ, તા.૨૩: વિદેશ અભ્‍યાસ કરવા ઇચ્‍છૂક લોકોએ કાં તો પોતાની યોજનામાં ફેરફાર કર્યો છે અથવા તો અમેરિકા, કેનેડા અને ઓસ્‍ટ્રેલીયામાં વીઝા મળવાની પ્રક્રિયામાં થઇ રહેલ બહુ વાર ના કારણે પહેલુ સેમેસ્‍ટર ઓનલાઇન ભણવાનો વિકલ્‍પ પસંદ કર્યો હોવાનુ એક રિપોર્ટમાં કહેવાયુ છે.

વીઝાની એપોઇન્‍ટમેન્‍ટ ના મળવાના કારણે અને કોરોનાના કારણે વિદેશ ભણવા જવાની અનિચ્‍છાના કારણે શિક્ષણ લોન લેવામાં ઘટાડો થયો છે. એજયુકેશન લોનના અરજદારો ૨૦૨૦-૨૧ના ૨૯૩૩૫ની સરખામણીમાં ઘટીને ૨૦૨૦-૨૨માં ૧૬૨૭૫ થયા છે, જે ૪૫ ટકાનો ઘટાડો છે. સ્‍ટેટ લેવલ બેંકર્સ કમીટી (એસએલબીસી) ગુજરાતના તાજેતરના રિપોર્ટ અનુસાર, એજયુકેશન લોન લેનારાઓની સંખ્‍યા કોરોના પહેલાના સમયગાળા કરતા ૬૦ ટકા જેટલી ઘટી ગઇ છે.

અમદાવાદની રહીશ મેધાવી રાણપરાએ કેનેડાના સસ્‍કાચેવાન પ્રાંતના પોલીટેકનીકમાં જુલાઇ-૨૦૨૧માં એડમીશન નક્કી કર્યુ હતુ. તેણે ગયા વર્ષે જાન્‍યુઆરીમાં વીઝા માટે અરજી કરી હતી પણ ડીસેમ્‍બર સુધી તેના વીઝા નહોતા મળ્‍યા હવે તેણે ૨૦૨૦ના ઓગષ્‍ટમાં એડમીશન લેવુ પડશે. મેઘાવીએ કહ્યું, ‘વીઝા રીજેકટ થયા પછી મેં આ વર્ષે જાન્‍યુઆરીમાં ફરીથી અરજી કરી પણ હજુ સુધીમાં તેમાં કોઇ હિલચાલ નથી. મારી શૈક્ષણિક લોન હપ્‍તા કપાઇ રહ્યા છે અને મારો અભ્‍યાસ તો હજુ ચાલુ જ નથી થયો.'

લોન લેનારાઓ ઘટવાનું કારણ જણાવતા એસએલબીસીએ કહ્યું કે વિદેશ અભ્‍યાસ માટેની અરજીઓ ઘટી જવાનું કારણ મહામારી છે. ભારતમાં કોરોનાની ભયાનક બીજી લહેર વખતે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધો હતા. આ પ્રતિબંધો અને વિદેશમાં અભ્‍યાસ મોંઘો થવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓએ વિદેશ અભ્‍યાસ કરવાનું ટાળ્‍યું અથવા ઓનલાઇન કોર્સનો વિકલ્‍પ પસંદ કર્યો. આના કારણે શિક્ષલ લોન લેનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા ઘટી ગઇ. ઘણા બધા દેશોએ ભારતથી આવતી ફલાઇટો અને ભારતીય વિદ્યાર્થીઓની અવરજવર પર પ્રતિબંધ મુકયો તેના કારણે વીઝા ના મળવાના કારણે પણ લોનમાં ઘટાડો થયો.

(10:36 am IST)