Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્‍ચે શિવસેનાનો મોટો દાવો : પરેશ ખેરે કહ્યુ - ‘મુંબઈ જવા માંગતા ધારાસભ્‍યને પોલીસે ગોંધી રાખી માર માર્યો'

પોલીસના મારથી ઘાયલ થયેલ ધારાસભ્‍યને હોસ્‍પિટલ ખસેડાયા, બે ધારાસભ્‍યોને ઘેનનાં ઇન્‍જેક્‍શન અપાયા : પરેશ ખેરે કર્યા ચોકાવનારા દાવા

સુરતઃ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્‍ચે શિવસેનાનાં નેતા પરેશ ખેરે મીડિયા સામે પોલીસ વિરૂધ્‍ધ દાવા કરતા કહ્યુ હતુ કે, સુરતમાં પોલીસે ધારાસભ્‍યોને ગોંધીને રાખ્‍યા છે. અને ધારાસભ્‍યો મુંબઈ જવા માંગતા હોવા છતા તેઓને બંધક બનાવી ગુવાહાટી ખાતે લઈ જવાયા છે. જેમાથી નીતિન દેશમુખે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને પકડી માર માર્યો હતો. જેમાં તેમને વધુ ઇજાઓ પહોંચતા તેઓને હોસ્‍પિટલમાં દાખલ કરાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્‍યો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સુરતથી શિવસેનાનાં 34 સહિત 40 ધારાસભ્યોને સ્પેશિયલ પ્લેન દ્વારા ગુવાહાટી ખાતે પહોંચી ચુક્યા છે. દિવસ-રાત ચાલેલા આ રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાએ દાવો કર્યો છે કે, એકનાથ શિંદે જૂથના અને અકોલાના ધારાસભ્ય નીતિન દેશમુખને ગુજરાત પોલીસે સુરતની હોટલમાં માર માર્યાનો દાવો કરાયો હતો. તેઓ મુંબઇ જવા માંગતા હોવા છતા પણ તેમને બંધક બનાવીને ગુવાહાટી ખાતે લઇ જવામાં આવ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

સુરત શિવસેનાના નેતા પરેશ ખેરે મીડિયાને જણાવ્યું હતું કે, નીતિન દેશમુખ હોટલમાંથી નીકળીને ચાર રસ્તા પર આવ્યા હતા, જ્યાં અમારી સાથે મુંબઇ જવા માટે મદદ માંગવામાં આવી હતી. અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પોલીસે પકડીને હોટલ લઇ જઇ રહી હતી.અમે પણ તેની પાછળ પાછળ ગયા પરંતુ હોટલના મુખ્ય ગેટ પાસે જ અમને અટકાવી દેવામાં આવ્યા. પોલીસ દ્વારા આ ધારાસભ્યોને પરોક્ષ રીતે ગોંધી રાખવામાં આવ્યા છે. મન ફાવે તે પ્રકારે વર્તન કરે છે.

શિવસેનાએ દાવો કર્યો કે, નીતિન જ્યારે હોટલમાં મુંબઇ જવા માટે હોબાળો કર્યો ત્યારે પોલીસ અધિકારીઓએ તેને ઢોર માર માર્યો હતો. બીજી તરફ હોટલમાં હોબાળા દરમિયાન પોલીસ અધિકારી અને ધારાસભ્યો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ઘાયલ થયેલા નીતિનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે ધારાસભ્યોને ઘેનના ઇન્જેક્શન અપાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

(5:08 pm IST)