Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩ અંતર્ગત ચોથા રાઉન્ડમાં વધુ ૧,૦૭૨ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

નબળા અને વંચિત જૂથનાં વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડ માટે તા.૧૯ જૂન થી ૨૧ જૂન-૨૦૨૨ દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃપસંદગી યોજવામાં આવી હતી

ગાંધીનગરઃ RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩ અંતર્ગત નબળા અને વંચિત જૂથનાં વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડ માટે તા.૧૯ જૂન થી ૨૧ જૂન-૨૦૨૨ દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃપસંદગી યોજવામાં આવી હતી, જે અંતર્ગત વધુ ૧,૦૭૨ વિદ્યાર્થીઓને RTE  હેઠળ પ્રવેશ ફાળવવામાં આવ્યો છે એમ નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર RTE ACT-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્ડના અંતે એકંદરે કુલ ૬૪,૦૪૨ જેટલાં વિદ્યાર્થીઓએ જે તે શાળાઓમાં રૂબરૂ જઈ પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે.
ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ ઉપર વધુને વધુ નબળા તથા વંચિત જૂથના બાળકોને RTE એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહેલાં અને માન્ય અરજી ધરાવતા ૧,૦૩,૫૩૨ અરજદારોને ચોથા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુન:પસંદગીની તક તા. ૧૯-૦૬-૨૦૨૨થી તા. ૨૧-૦૬-૨૦૨૨ દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એકંદરે કુલ ૨૭,૭૪૯ જેટલાં અરજદારોએ શાળાઓની પુન: પસંદગી કરેલ જ્યારે બાકીના ૭૫,૭૮૩ અરજદારોએ અગાઉ દર્શાવેલ શાળાઓ યથાવત રાખી હતી.      
RTE એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ તા. ૨૩-૦૬-૨૦૨૨, ગુરૂવારના રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ ૧,૦૭૨ જેટલાં બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ
તા. ૨૮-૬-૨૦૨૨, મંગળવાર સુધીમાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવવાનો રહેશે.
મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૯,૯૫૫ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદાં-જુદાં માધ્યમમાં કુલ ૭૧,૩૯૬ જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.  

(5:19 pm IST)