Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨નો પ્રારંભ

તા.૨૩ થી ૨૫ જૂન-૨૦૨૨ દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન : અમદાવાદ જીલ્લાના ૯ તાલુકામાં ૬૮૩ ગામડાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨નો પ્રારંભ થયો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વિરમગામ તાલુકાના વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓમાં સરકારી અધિકારીઓ,પદાધિકારીઓ, શાળાના આચાર્ય શિક્ષકો, ગ્રામજનો અને ભાજપના નેતાઓની હાજરીમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રકલ્પોની ક્લસ્ટર કક્ષાએ અને તાલુકા કક્ષાએ સમીક્ષા કરવામાં આવશે. જેમાં બાળકો નામાંકનની સ્થિતિ, ઓનલાઈન હાજરીની સમીક્ષા, ગુણોત્સવ-2.0ના પરિણામોની સમીક્ષા, એકમ કસોટી અને સત્રાંત કસોટીની સમીક્ષા, લર્નિંગ લોસ સંદર્ભે સમયદાનમાં થયેલ કામગીરી, કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન/ ઓફલાઇન કામગીરી, શાળાઓ તથા કલસ્ટરના ડ્રોપ આઉટની સમીક્ષા, મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનું પ્રત્યેક બાળક શિક્ષણ મેળવે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવા જાગૃત થાય તે આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજન થકી રાજ્યમાં પ્રતિ વર્ષ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે રાજ્યમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં  તા.૨૩ થી ૨૫મી જૂન-૨૦૨૨ દરમિયાન શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જીલ્લામાં  ૯ તાલુકામાં ૬૮૩ ગામડાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં અમદાવાદ જીલ્લાના દસક્રોઈના ૧૩૩,આણંદના ૧૦૫, વિરમગામના ૯૬, માંડલના ૪૩, દેત્રોજના ૫૫,બાવળાના ૬૧, ધોળકાના ૧૦૧, ધંધુકાના ૫૦ તેમજ ધોલેરાના ૩૯ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(6:58 pm IST)