Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

નડિયાદ તાલુકાના ડુમરાલ ગેટ નજીક કન્ટેનર જીવંત વીજ કેબલને અડી જતા આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

નડિયાદ:તાલુકાના  ડુમરાલ ગેટ પાસે આવેલી એક વુડ ઈન્ડસ્ટ્રીઝમાં લાકડા ભરવા માટે આવેલું એક કન્ટેનર ઇલેવન કેવી વીજ વાયરને અડી જતાં શોર્ટ સકટ થતા કન્ટેનરના ટાયર બળીને ખાખ થઇ ગયા હતા. આ બનાવની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ તાલુકાના ડુમરાલ ગેટ પાસે દિનેશભાઈ દેવજીભાઇ પટેલની મહાકાળી વુડ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ ઈન્ડસ્ટ્રીઝમાં લાકડાની સાઈઝ વધારવા આવેલ એક કન્ટેનરને ઇલેવન કેવી વીજ વાયર અડી જતા શોર્ટ સકટના કારણે આગ લાગી હતી. સ્થળ પર વિશાળ સંખ્યામાં લાકડું હોવાથી આગને કારણે અફરાતફરી મચી હતી.આગને કારણે કન્ટેનરના ચારે ટાયરો આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા. આ આગની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ ટાયર પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવની જાણ નડિયાદ રૂરલ પોલીસ મથકે થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ સંદર્ભે પોલીસે જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:07 pm IST)