Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જિલ્લા કલેકટર ડી.એ.શાહની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રતાપનગર પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આજે જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામની પ્રાથમિક શાળા ખાતે ગુજરાતમાં હાથ ધરાયેલા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ધોરણ-૧ માં પ્રવેશપાત્ર કુલ-૩૮ બાળકોને ચોકલેટથી મોઢુ મીઠું કરાવીને શાળા પ્રવેશની સાથે આંગણવાડીના ૪ બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રેમલબેન પાટણવાડીયા, શાળાના આચાર્ય રાકેશભાઇ પંચાલ, સરપંચ દિનેશભાઇ વસાવા, SMC અધ્યક્ષ ભાવનાબેન વસાવા, શાળા પરિવાર અને વાલીઓ પણ તેમાં ઉત્સાભેર જોડાયા હતા.              
જિલ્લા કલેકટર ડી.એ.શાહે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કોઇ પણ સમાજના વિકાસની પરાશીશી એ શિક્ષણ છે. શિક્ષણથી વ્યક્તિ રોજગાર-વ્યવસાય સાથે આર્થિક રીતે સક્ષમ થઈ પોતે આત્મનિર્ભર બને છે. અને તેથી જ બાળકો ફરજિયાતપણે શાળા પ્રવેશ કરીને શિક્ષણ મેળવે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા સરકારના ઉમદા અભિગમના ભાગરૂપે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે વાલીઓને બાળકો ઉપર તેમની ઇચ્છા-અપેક્ષા અને આકાંક્ષાઓની પરિપૂર્તિ માટે બાળકોને ખોટુ દબાણ કે મજબૂર ન કરતા તેમની રૂચિ મુજબના ક્ષેત્રમાં ખીલવવા દેવાનો ખાસ અનુરોધ કરી અંગ્રેજી, કોમ્પ્યુટર, રમત-ગમત અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોમાં પ્રોત્સાહિત કરવા જોઈએ તેમ તેઓએ વધુમાં ઉમેર્યુ હતુ.
                 
આ પ્રસંગે કલેક્ટર ડી.એ.શાહે, જિલ્લા શિક્ષણધિકારી જયેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધોરણ-૩ થી ૮ ના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયાં હતા.                 
પ્રારંભમાં મનુષ્ય ગૌરવ ગાનની પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરનાર શાળાની બાલિકાઓની કૃતિઓને બિરદાવી જિલ્લા કલેક્ટરશ્રી તરફથી રૂ. ૧૦૦૧/- લેખે બંને ગૃપની બાલિકાઓને કુલ રૂ. ૨૦૦૨ ની રકમના રોકડ ઇનામો એનાયત કરાયા હતાં. તેમજ પ્રીતિ ભોજનના રસોઈ કર્મીઓને પણ રૂા. ૧૦૦૧ ના ઇનામથી નવાજ્યા હતાં. તદ્ઉપરાંત શાળા પરિવારના શિક્ષકગણને પણ બબ્બે ટી-શર્ટનું વિતરણ કરી શિક્ષકોને પણ તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રારંભમાં શાળાના આચાર્ય રાકેશભાઈ પંચાલે તેમના સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતાં. અને અંતમાં શાળા પરિવાર તરફથી આભાર દર્શન કરાયું હતું.કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

(10:15 pm IST)