Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પરીણિતા પર ત્રાસ ગુજારનારા સાસરિયા સામે ફરિયાદ થઈ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની ઘટના : ત્રણ લાખમાં ખરીદીને તને ઘરકામ કરવા લાવ્યા છીએ એમ કહી સાસરિયાવાળા પરિણીતા પર અત્યાચાર કરતા

અમદાવાદ, તા.૨૨ : લગ્ન જીવનમાં નાની-નાની બાબતોથી શરુ થયેલી તકલીફોનું સમાધાન ના આવતા તે સમય જતા મોટું સ્વરુપ ધારણ કરી લેતી હોય છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની પરિણીતા સાથે પણ આવું થયું છે. અહીં પરિણીતા સાથે તેના પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ૨૨ વર્ષની પાયલ (નામ બદલ્યું છે) દ્વારા પતિ સહિત સાસુ-સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાયલના લગ્ન વર્ષ નવેમ્બર ૨૦૧૯માં સમાજના રીત-રિવાજ પ્રમાણે મહેસાણામાં મયૂર પટેલ સાથે થયા હતા. લગ્ન પછી પાયલ પતિ સાથે સંયુક્ત પરિવારમાં મહેણાસાના દેવીપુરા ગામમાં રહેવા ગઈ હતી. ધોરણ-૮ સુધી ભણેલી પાયલને લગ્નના એક મહિના સુધી સારું રાખ્યા બાદ સાસરિયા દ્વારા તેના પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવાનું શરુ કરાયું હતું. નણંદ આરતી ઘરે આવતા પાયલે થોડા દિવસ માટે પોતાના પિયર જવાની ઘરમાં વાત કરી હતી, આ સાંભળીને નણંદ આરતીએ પરિણીતાને કહ્યું, અમે તને ત્રણ લાખમાં ખરીદીને અહીં કામ કરવા માટે લાવ્યા છીએ, એટલે તારે કામ તો કરવું જ પડે. આટલેથી ના અટકીને પાયલના ઘરેણા પણ ઉતરાવી દઈને કહ્યું કે, તારા બાપના ઘરે કશું ભાળ્યું નથી, જેથી અમારા દાગીના પર હક ના કર.

પાયલ ફરિયાદમાં જણાવે છે કે, તેના સાસરિયા એક થઈને તેને ત્રાસ આપતા હતા. તારા મા-બાપે તને કશું શીખવ્યું નથી અને અમારા માથે નાખી દીધી છે, અમને તારા કરતા પણ વધારે દહેજ આપી શકે તેવા માંગા મળતા હતા. આવી વાતો કરીને વારંવાર મેંણાટોંણા મારવામાં આવતા હતા. પતિ દ્વારા પણ દારુના નશામાં મારઝૂડ કરીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવતો હતો. પરિણીતા નાનીની તબિયત ખરાબ હોવાથી સુરત ગઈ હતી, આ દરમિયાન નણંદને પરિણીતાને સારા દિવસો જઈ રહ્યા હોવાનું માલુમ પડતા તેને ફોન કરીને એબોર્શન કરાવી દેવા માટે દબાણ કરીને કહ્યું હતું કે, હું મોટી છું, તો મારા પેલા તારે બાળક લાવીને શું કરવું છે? તું એબોર્શન કરાવી લે. પરિણીતાએ આમ કરવાની ના પાડી દેતા જ્યારે તે સાસરિયામાં પરત આવી ત્યારે તેને ગમેતેમ બોલીને સરખું જમવાનું ના આપીને ત્રાસ આપવામાં આવતો હતો. તેના સીમંતના દિવસે પાયલથી પુરી કાચી રહી જતા તેના સાસુએ તેના પગ પર ગરમ તેલનો ચમચો ચોંટાડી દીધો હતો.

જ્યારે નવેમ્બર ૨૦૨૦માં પાયલે દીકરીને જન્મ આપ્યો તે પછી પણ તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો. ડિલિવરી પછી ઘરના કામમાં તકલીફ પડતા તેના સાસુ તેને કહેતા કે, તું અમને ત્રણ લાખ રૂપિયા આપી દે પછી તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે.. પાયલે ફરિયાદમાં સાસુ દ્વારા દીકરીનો પગ ગરમ પાણીમાં નાખીને તેને દઝાડવાની કોશિશો કરાઈ હોવાનું પણ જણાવ્યું છે.

(9:14 pm IST)