Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ વગેરે સામે ખાતાકીય તપાસ : પંચાયત ક્ષેત્રે ખળભળાટ

કરાર આધારિત આરોગ્ય કર્મચારીઓને સમયસર છુટા ન કરવાનો મામલો

રાજકોટ,તા. ૨૩ : રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોમાં જે તે વખતે ૧૧ માસના કરારથી નોકરીએ રહેલા મલ્ટીપર્પઝ પુરૂષ આરોગ્ય કર્મચારીઓને મુદત પુરી થયા બાદ છૂટા ન કરવા બદલ જે તે વખતના જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓને શો-કોઝ નોટીસ ફટકારી ખાતાકીય તપાસ કરવા સરકારે આદેશ આપતા પંચાયત ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા દસકામાં કરાર આધારિત નોકરીએ રહેતા આવા આરોગ્ય કર્મચારીઓની નોકરી સળંગ ગણાય જતા સરકારે કાનૂની લડત બાદ ૩૨૨ કર્મચારીઓને કાયમી તરીકે સમાવવા પડ્યા છે.

રાજ્યની ૧૫ થી વધુ જિલ્લા પંચાયતોમાં આવુ બન્યુ છે. જે તે વખતે સર્વિસ બ્રેક ન કરવા બદલ જવાબદાર જિલ્લા વિકાસ અધિકારીઓ, મુખ્ય આરોગ્ય અધિકારીઓ સંબંધિત કર્મચારીઓ સામે પગલા તોળાઇ રહ્યા છે. રાજ્યમાં એક જ વિભાગમાં એક સાથે આટલા મોટા પ્રમાણમાં શો-કોઝ નોટીસ અપાય તેવો પ્રથમ દાખલો છે. પંચાયત વિભાગના અધિક સચિવ જયદીપ દ્વિવેદીની સહીથી બહાર પાડેલ આદેશમાં જવાબદારોને ૭ દિવસોની મહેતલ આપી ખુલાસો પુછવા અને દાખલારૂપ ખાતાકીય કાર્યવાહી કરવા જણાવાયું છે.

(11:38 am IST)