Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જ્યારે સમગ્ર વિશ્વ ઘોર અંધકારમાં સૂતું હતું, ત્યારે ભગવાન વેદવ્યાસને લીધે ભારતવર્ષમાં જ્ઞાનનો સૂરજ ઝળહળતો હતો: શા. માધવપ્રિયદાસજી સ્વામી

ગુરુપૂર્ણિમા પ્રસંગે SGVP ગુરુકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામીનો શુભ અને પ્રેરક સંદેશ

અમદાવાદ તા. ૨3:  ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનો દિવસ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને આ દિવસે ભગવાન વેદવ્યાસજીનું પૂજન કરવામાં આવે છે.

ભગવાન વેદવ્યાસે વેદ-શાસ્ત્રોના જ્ઞાન-વિજ્ઞાનની જ્યોત પ્રગટાવેલી છે. જ્યારે સમગ્ર વિશ્વ ઘોર અંધકારમાં સૂતું હતું, ત્યારે ભગવાન વેદવ્યાસને લીધે ભારતવર્ષમાં જ્ઞાનનો સૂરજ ઝળહળતો હતો.

ભગવાન વેદવ્યાસજીએ વેદોના ચાર વિભાગ કર્યા, ભાગવત વગેરે પુરાણોની રચના કરી, મહાભારત જેવા અજોડ ઇતિહાસ ગ્રંથની રચના કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરેલ છે.

ભગવાન વેદવ્યાસ પ્રાચીન ગુરુકુલ પદ્ધતિના પ્રસ્તોતા હતા, એ પ્રાચીન ગુરુકુલોમાં જગતનું પથપ્રદર્શન કરનારા અનેક મહાપુરુષો તૈયાર થયા હતા, જેના નામથી આજે ભારતીય સંસ્કૃતિ ગૌરવવંતી છે.

ભારતીય પ્રજા ભગવાન વેદવ્યાસનું ઋણ ક્યારેય ચૂકવી શકે એમ નથી.

આજના દિવસે ભગવાન વેદવ્યાસના પ્રતિનિધિ તરીકે ગુરુપૂજન કરવામાં આવે છે. શિષ્યોના અંતરમાં રહેલા અંધકારને દૂર કરી જ્ઞાનની જ્યોત પ્રગટાવે એનું નામ ગુરુ છે.

ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. આચાર્યનો અર્થ છે, જેનું જીવન સદાચારમય હોય અને શિષ્યોને સદાચારી બનાવે એ જ ખરા અર્થમાં આચાર્ય છે. આવું આચાર્યપદ માત્ર શાસ્ત્ર ભણવાથી પ્રાપ્ત થતું નથી, આવું આચાર્યપદ શુભ આચરણને લીધે પ્રાપ્ત થાય છે, કોરી વાતોથી નહીં.

શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયમાં એક આચાર્ય પરંપરા છે અને સાથે આચાર્યપદ સાથે જોડાયેલ સંત-ગુરુ પરંપરા છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણના અનેક મહાન સંતો થયા, જેમાં સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામી મુખ્ય હતા.

સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય સદ્‌ગુરુ બાલમુકુંદદાસજી સ્વામી હતા, એમના શિષ્યનું નામ સદ્‌ગુરુ ધર્મસ્વરૂપદાસજી હતું, એમના શિષ્ય પુરાણી ગોપીનાથદાસજી હતા, એમના શિષ્ય પ્રાચીન ગુરુકુલ પરંપરાના પુનરુદ્ધારક સદ્‌વિદ્યા સદ્ધર્મરક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રીધર્મજીવનદાસજી સ્વામી થયા કે જેમણે અનેક ગુરુકુલોની સ્થાપના કરી, હજારો સંસ્કારી વિદ્યાર્થીઓને તૈયાર કર્યા.

આજનો મંગલ દિવસ આ મહાન ગુરુઓનું પૂજન-અર્ચન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે.

          તા. ૨૪ જુલાઇ ૨૦૨૧ સાંજે ૫: કલાકે શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલમાં ઓનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.

(12:18 pm IST)