Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે તો અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવો વરસાદ પડશેઃ રાજયમાં ૮ જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત

રાજકોટઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજથી પાંચ દિવસ રાજયમાં હવામાન વિભાગ દ્વારા ધોધમારની વરસાદની આગાહી કરાઈ છે. જેમાં મધ્ય ગુજરાતમાં આફતનો વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર–કચ્છમાં પણ ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં ૫ ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગ અને ધરમપુરમાં ૨-૨ ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદના કારણે ૧૧ રસ્તા બંધ થયા હોવાના પણ અહેવાલ છે.

સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શકયતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ ૨૦૪.૯૪ મિમી એટલે સરેરાશ ૨૪.૬૪ ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે એનડીઆરએફની ટીમો રાજ્યમાં અલગ અલગ ૮ જિલ્લામાં ૮ ટીમો તૈનાત કરાઈ છે, જેમાં વલસાડ, નવસારી, સુરતમાં ૧-૧ ટીમ રહેશે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ટીમ તૈનાત રહેશે. મોરબી અને કચ્છમાં એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે આગામી સ્થિતિ આધારે અન્ય ટીમો મોકલવામાં આવશે.

(12:53 pm IST)