Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પેગાસીસ કેસની સુપ્રિમના ન્યાયાધીશ મારફત તપાસ કરાવોઃ કોંગ્રેસ

જાસુસી બંધ કરો...જાસુસી બંધ કરો...ના સુત્રોચ્ચાર સાથે અમિત ચાવડા-પરેશ ધાનાણીની આગેવાનીમાં ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનઃ પોલીસ દ્વારા અટકાયત : કેન્દ્રીય ગૃહમંત્રીના રાજીનામાની માંગણી

કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસે અટકાયત કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અહેવાલઃ કેતન ખત્રી અમદાવાદ)

રાજકોટ, તા. ૨૩ :. જાસૂસીકાંડથી ભાજપ સરકારે માણસના જીવવાના અધિકારો છીનવ્યા છે તેવો આક્રોશ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ વ્યકત કર્યો છે.

પરેશભાઈ ધાનાણી અને અમિતભાઈ ચાવડાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય નેતાઓ, વર્તમાન અને પૂર્વ ભારતીય સુરક્ષા દળના અધિકારીઓ, વિપક્ષના વરિષ્ઠ નેતાઓ, પત્રકારો, વકીલોના સેલ ફોન ગેરકાયદેસર અને ગેરબંધારણીય હેકીંગ કરવાથી ભાજપ સરકારની શંકાસ્પદ અને દ્વેષપૂર્ણ પ્રવૃતિઓ ખુલ્લી પડી છે. અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી તથા તેમના ઓફિસના કર્મચારીઓના પણ ફોન હેકીંગ કરવામાં આવ્યા હતા અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ફોન હેકીંગ કરવામાં આવ્યા હતા.

સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતેની પત્રકાર પરિષદ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ વરિષ્ઠ આગેવાનશ્રીઓ અને કાર્યકરો રાજભવન સામે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાયા હતા તેમ પ્રવકતા ડો. મનિષ એમ. દોશીએ જણાવ્યુ હતું.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માધ્યમથી રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને પાઠવેલા આવેદન પત્ર ભાજપના સરકાર દ્વારા પેગાસીસ માલવેર મારફતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેર બંધારણીય રીતે ટેલીફોન હેકીંગ મામલે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવા માંગણી કરી છે.

આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું છે કે સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી નાખે તેવા ઈઝરાઈલના NSO કંપનીના પેગાસીસ સોફટવેર/માલેવર દ્વારા ફોન હેકીંગથી ભારતમાં વિરોધ પક્ષના નેતાઓ, શાસક પક્ષના અમુક નેતાઓ, ટોચના પત્રકારો, માનવ અધિકાર માટે લડતા કર્મશીલો, સુપ્રીમ કોર્ટના માનનીય જજશ્રીઓ તથા તેના સ્ટાફ, ચુંટણી પંચના કમિ'રશ્રી સહિતના અંદાજે ૩૦૦ જેટલા ફોન હેક કરવાની ઘટનાને ભારતની જનતાના સ્વતંત્ર જીવન જીવવાના અધિકાર ઉપર તરાપ મારનાર અને શાસન ટકાવી રાખવા માટે બંધારણ અને રાજનીતિક પ્રક્રિયા સાથે ચેડા કરવા સમાન છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૦ની રાજ્યસભાની ચુંટણીઓ વખતે તથા વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષના અને ભાજપના ટોચના નેતાઓના ફોન હેકીંગ દ્વારા જાસુસી થઈ રહી હોવાનો આક્ષેની શંકા છે. પેગાસીસ સોફટવેર/માલવેર દ્વારા ફોન ટેપીંગની ઘટના અંગે ફ્રાંસમાં પત્રકારો અને રાજકારણીઓના ફોન હેકીંગ કરવાની ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ભારતમાં આ પેગાસીસ માલવેર દ્વારા અંદાજે ૩૦૦ જેટલા મહાનુભાવોના ફોન હેક કરીને જાસુસ કરાઈ હોવાની ઘટનાનો સ્વીકાર કરવાની ભાજપની સરકાર ઈન્કાર કરી રહી છે. સદરહુ પેગાસીસ દ્વારા કર્ણાટક અને મધ્યપ્રદેશની ચુંટાયેલ સરકારને ઉથલાવવામાં કોંગ્રેસના આગેવાનોના ફોન હેક કરીને જાસુસી કરાઈ હોવાની પ્રબળ શંકા છે.

કોંગ્રેસ પક્ષના પુર્વ અધ્યક્ષ માનનીયશ્રી રાહુલ ગાંધી, ભાજપ સરકારના બે મંત્રીઓ શ્રી પ્રહલાદ જોષી અને શ્રી વિષ્નોઈના ફોન હેક કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ભાજપ સરકારે પાકિસ્તાન કે ચીનની જાસુસી કરવાને બદલે પોતાના જ દેશના નાગરીકોની જાસુસી કરીને નિમ્ન કક્ષાની રાજનીતિના કારણે ભારતની આબરૂ દેશ અને દુનિયામાં ધોવાણ થયું છે. ભારતના નાગરીકોને બંધારણે આપેલો સ્વતંત્ર અને વ્યકિત્તગત જીવન વિના રોક-ટોકે જીવવાનો જે અધિકાર આપ્યો છે તેની રક્ષા કરવાને બદલે ભાજપ સરકાર આવું ગેરકાનુની રીતે ફોન ટેપીંગ કરાવી રહી છે.

ભાજપની કેંદ્ર સરકાર ફોન ટેપીંગની તપાસ સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ મારફતે કરાવવામાં આવે તો કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જનમત મેળવેલી સરકારો પાડવામાં અને ગુજરાતની ૨૦૧૭ અને ૨૦૨૦ની રાજ્યસભાની ચુંટણીઓ દરમ્યાન કોના ફોન હેક થયા હતા, તેની સાથે કયા ધારાસભ્યની કેટલા રૂપિયામાં ખરીદી થઈ હતી તે સોદાની ઘટના પણ સામે આવે તેમ છે.

અગાઉ સને ૨૦૦૨માં જે તે વખતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાજપના જ આગેવાન હરેન પંડ્યા તથા વિરોધ પક્ષના નેતાઓના ટેલીફોન ટેપ કરવાની સુચના રાજ્યના ગુપ્તચર વિભાગના અધિકારીઓને આપી હતી તે બાબત રેકોર્ડ ઉપર મૌજુદ છે. ૨૦૦૯માં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની સુચનાથી જે તે વખતના ગૃહમંત્રીશ્રી અમીત શાહે એક યુવતીની તેમના બેડરૂમ સુધી જાસુસી કરવામાં આવી હતી અને તે બાબતની એક આઈ.પી.એસ. અધિકારીની વાતચીતની આખી ટેપ સી.બી.આઈ.એ મેળવી હતી તે ઘટના પણ રેકોર્ડ ઉપર મૌજુદ છે. તેમ જ કોંગ્રેસ પક્ષના આગેવાનોની મોબાઈલની કોલ ડીટેઈલ ગેરકાનુની રીતે મેળવીને કોર્ટમાં રજુ કરાઈ હોવાના દાખલાઓ પણ છે. પેગાસીસ માલવેરની ખરીદી અને મેઈનટેન્સ કોન્ટ્રાકટ મુજબ આવા માલવેર માત્ર સાર્વભૌમિક સરકારોને માત્ર ત્રાસવાદીઓની માહિતી મેળવવા જ વેચવામાં આવે છે અને એક મોબાઈલ હેક કરવાનો ખર્ચ અંદાજે ૯૦ લાખ જેટલો થાય છે. અંદાજે ૪૫ કરોડનું એક પેગાસીસ અંદાજે ૫૦ ફોન ટેપ કરી શકે છે. નાગરીકોની જાસુસી કરવાનો ખર્ચ કયા હેડ હેઠળ કરવામાં આવે છે ? આ ખર્ચ કોઈ ખાનગી ઉદ્યોગ ગૃહ કે ભારત સરકારનું સ્વાયત એકમ ભોગવે છે.

જેમના ફોન ટેપ થાય છે તે યાદીમાં જે નામ છે જેવાકે પ્રશાંત કિશોર, અશોક લવાસા, આલોક વર્મા વગેરે તે પરથી સ્પષ્ટ થાય છે કે તેમાં સત્તા પાર્ટી સંડોવાયેલી છે.  પ્રશાંત કિશોર ભાજપ સામેના ચૂંટણી જંગમાં ભાજપને હરાવવા ખૂબ જાણીતા છે. અશોક લવાસા કે જેઓ ચૂંટણી પંચના  કમિ'ર હતા જેઓનો પક્ષ હતો કે ૨૦૧૯ ની ચૂંટણીઓ દરમ્યાન અપનાવેલી ગેર રીતિઓ સામે નિષ્પક્ષ રીતે પગલાં લેવા જોઈએ.

આમ, આ બાબતે સર્વાંગી તપાસ જરૂરી છે તેમજ દેશમાં અને રાજ્યમાં કયા મહાનુભાવોના ગેરકાયદેસર રીતે ફોન ટેપીંગ કરવામાં આવેલ તેની સત્ય વિગતો નાગરીકો સામે જાહેર કરવામાં આવી નથી જે બદલ દેશના વડાપ્રધાનશ્રી દેશના લોકોની માફી માંગે તેમજ જેમના શીરે દેશ અને જનતા જનાર્દનની સુરક્ષાની જવાબદારી છે તેવા ગૃહમંત્રીશ્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીશ્રીના હોદ્દા પરથી રાજીનામું આપે અને ગેરકાયદેસર કૃત્ય કરવામાં સંડોવાયેલા સામે પગલાં લેવાય તે માટે આવેદન પત્ર પાઠવ્યું છે.

 આ તકે અમિતભાઇ ચાવડા, પરેશભાઇ ધાનાણી, ભરતસિંહ સોલંકી, રાજુભાઇ પરમાર, જગદીશભાઇ ઠાકોર, અશ્વિનભાઇ કોટવાલ, સત્યજીતસિંહ ગાયકવાડ, નિશિત વ્યાસ, ભરતજી ઠાકોર, ઇન્દ્રજીતસિંહ પરમાર, નાથાભાઇ પટેલ, મોહનભાઇ ચૌધરી, ઇમરાન ખેડાવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

(4:01 pm IST)