Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

દેશમાં અઘોષિત કટોકટીનો માહોલ : કાળા કાનૂનથી ખેડૂતો ત્રસ્ત-સરકાર જાસુસીમાં મસ્તઃ પરેશ ધાનાણી-અમિત ચાવડાના પ્રહારો

ગાંધીનગર, તા. ર૩:  ગાંધીનગર રાજભવન બહાર ગુજરાત કોંગ્રેસે પેગાસસ જાસુસી કાંડ મામલે પ્રદર્શન કર્યુ હતું. રાજભવન બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા. પોલીસે પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રહાર કર્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યુ, પ્રાઇવેટ લાઇફની જાસુસી થઇ રહી છે, ફોન ટેપ થઇ રહ્યા છે અને આવા સંજોગોમાં અઘોષિત કટોકટીનો માહોલ છે તેમાંથી બહાર નીકળવા માટે સમગ્ર કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના માધ્યમથી થાય, દેશના વડાપ્રધાન લોકોની માફી માંગે, ગૃહમંત્રી રાજીનામુ આપે તેવી માંગને લઇને રાજ્યપાલ પાસે જઇ રહ્યા છીએ.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યુ, સત્તાનો સુત્રો સંભાળનાર સરકાર સમસ્યાઓને નિપટાવવામાં નિષ્ફળ નીવડી છે. ભાજપની નિષ્ફળ નીતિઓને કારણે મહિલાઓ મોંઘવારીમાં ત્રસ્ત છે અને સરકાર જાસુસીમાં મસ્ત છે. છૂટતી નોકરીઓથી યુવાન ત્રસ્ત છે અને સરકાર જાસુસીમાં મસ્ત છે, કાળા કાનૂનથી ખેડૂતો ત્રસ્ત છે અને સરકાર જાસુસીમાં મસ્ત છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગોપનીયતાના અધિકાર પર તરાપ મારી ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્ય વિપક્ષી નેતાના ફોન ટેપિંગ કરી અને સરકારી નિષ્ફળતાનો અવાજ ઉઠાવનારાઓનો અવાજ બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે. ક્યાય પત્રકાર બંધૂઓના ફોન ટેપ કરી સત્યને ઉજાગર કરનારા દેશના સિપાહીઓને જેલમાં ધકેલવામાં આવી રહ્યો છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અઘોષિત કટોકટી દેશમાં લાગુ થઇ છે.

(4:02 pm IST)