Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં બાતમીના આધારે વોચ ગોઠવી ચંદનના લાકડાની ચોરી કરનાર ચોરને ઝડપી પાડયો

સુરત:જિલ્લાના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને દક્ષિણમાં માંડવી વન વિભાગ દ્વારા મહુવા રેન્જના વડીયા ગામેથી ચંદનના લાકડાઓ ચોરી કરતા ચંદન ચોરને ઝડપી પાડયા હતા. આ ચંદનચોર પાસેથી 14 નંગ ચંદનના લાકડાં મળી આવ્યા હતા. જેની બજાર કિંમત 3,45,000 થાય છે. આ અંગે મળતી માહિતી અનુસાર નાયબ વન સંરક્ષક પુનિત નૈયરને બાતમી મળી હતી કે મહુવાના જંગલમાં આવેલા ચંદનના લાકડાની ચોરી થઈ રહી છે. બાતમીના આધારે મદદનીશ વન સંરક્ષણ મોબાઈલ સ્કૉવડ સુરેન્દ્રસિંહ કોસાડા, દક્ષિણ માંડવી રેન્જના ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઓલજી અને મહુવા રેન્જના અન્ય અધિકારીઓએ સાથે મળીને વોચ ગોઠવી હતી. જેમાં મહુવા રેન્જના વડિયા ગામમાં સાંજના ચાર કલાકે રસ્તાની આજુબાજુમાં ત્રણ ટીમ બનાવીને પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે જ સમયે અંદાજે રાત્રિના 11:30 કલાકે પેટ્રોલિંગ દરમિયાન ડુંગરી તરફ જતા રસ્તાની બાજુમાં ત્રણ અજાણ્યા ઇસમો એક મોટરસાયકલ સાથે ઉભા હતા .તેઓની પાસે ગાડી ઉભી રાખી પૂછપરછ કરતા તેઓ પૈકી બે માણસો સ્ટાફના માણસોને વાનમાંથી નીચે ઉતરતા જોઈને ભાગી છૂટયા હતા. જ્યાંરે ત્રીજો વ્યક્તિ રસિકભાઈ શિવાજી ગામીત (રહે ,ડુમખાલ,તાલુકા વાલોડ, જિલ્લા તાપી) ને સ્ટાફ દ્વારા પીછો કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. રસ્તાની બાજુમાં બે કોથળા માંથી ચંદનનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુદ્દા અંગે તેઓની પૂછપરછ કરતા તેઓ પાસે કોઈ પણ પ્રકારના પાસ, બિલ કે પરવાનગી મળી આવ્યા ના હતા. જેથી ચંદનના મુદ્દામાલ અને મોટરસાયકલ નંબર GJ-05 HH 4853ને જપ્ત કરીને આરોપીની અટક કરવામાં આવી હતી. પકડેલા મુદ્દામાલને મહુવાની કચેરી ખાતે લાવીને ગણતરી કરતાં 14 નંગ ચંદનના ટુકડા 115 કિલોગ્રામ વજનના થયા હતા. જેની અંદાજે બજાર કિંમત 3,45000 થાય છે. તેની સાથે હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલની કિંમત 20,000 મળીને 3,65000 નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો.

(5:12 pm IST)